નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં દલિત સમાજ સાથે ભેદભાવ અને સામાજિક અસમાનતાનો આક્ષેપ કરતી એક ગંભીર રજૂઆત સામે આવી છે. મહેસાણા જિલ્લા દલિત સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપ મૂકવામાં આવ્યો છે કે વિજાપુર તાલુકાના માઢી ગામમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને દલિત સમાજને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર મુજબ, 10 મે 2026ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામમાં અનુસૂચિત જાતિના એક યુવકના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો. રજૂઆતમાં જણાવાયું છે કે ગામમાં આ પ્રકારનો આ પ્રથમ દલિત વરઘોડો હતો. વરઘોડો ચાલી રહ્યો હતો ત્યારે ગામના કેટલાક લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ઘોડા ઉપર બેસીને વરઘોડો કાઢવાનો અધિકાર નથી તેવી ભાષામાં વિરોધ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આવેદનમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે વિરોધ કરનારાઓ દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે લગ્ન પ્રસંગે હાજર દલિત પરિવાર અને સમાજના લોકોમાં ભય તથા અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી. રજૂઆતમાં જણાવાયું છે કે આવી ઘટના માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ દલિત સમાજના આત્મસન્માન અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરતી ગંભીર બાબત છે.
મહેસાણા જિલ્લા દલિત સંગઠને પોતાના આવેદનમાં જણાવ્યું છે કે ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાનતા, ગૌરવપૂર્ણ જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે, છતાં દલિત સમાજને ઘોડા પર બેસીને વરઘોડો કાઢવાથી અટકાવવાનો પ્રયાસ કરવો સામાજિક ભેદભાવનું ઉદાહરણ છે. સંગઠને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવેદનમાં માગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લોકો સામે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ભોગ બનનાર પરિવાર અને દલિત સમાજના સભ્યોને તાત્કાલિક પોલીસ સુરક્ષા આપવામાં આવે. જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓ દ્વારા ગામમાં શાંતિ, કાયદો અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં ભોગ બનનાર પરિવારને આર્થિક સહાય, સુરક્ષા અને પુનર્વસન માટે તાત્કાલિક સહાયની પણ માંગ કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ગામમાં શાંતિ સમિતિ અને સામાજિક જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂર છે.
સંગઠને આ સમગ્ર ઘટનાને માત્ર એક પરિવારનો પ્રશ્ન નહીં, પરંતુ સમગ્ર દલિત સમાજના બંધારણીય અધિકારો, આત્મસન્માન અને સામાજિક સમાનતા સાથે જોડાયેલી ગંભીર ઘટના ગણાવી છે અને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.








