નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જવેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા તેમજ સ્ટાફની હાજરીમાં સેલ્સ ગર્લે ગણતરીની મિનિટોમાં 1.66 કરોડના દાગીના ચોરી (Sales girl steals jewelry from Ahmedabad jeweler’s shop) લેવાની ઘટના સામે આવી છે. આ મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી ફરાર હર્ષિદા શેટ્ટીની શોધખોળ આરંભી છે. હર્ષિદા શેટ્ટી દાગીનાની ચોરી કર્યા બાદ ઈમરજન્સી હોવાનું કહીને શો-રૂમ ખાતેથી નીકળી ગઈ છે અને પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઑફ કરી દીધો છે.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં દર્શનભાઈ શાહ નિકોલ અનમોલ સર્કલ પાસે આભૂષણ નામનો સોના-ચાંદીના દાગીનાનો શરૂ ધરાવે છે. તેમના શો-રૂમમાં કુલ 19 લોકો કામ કરે છે. જેમાં સેલ્સ ગર્લ તરીકે હર્ષિદા શેટ્ટી (Harshida Shetty Sales Girl) નામની યુવતી 11 મહિના પહેલાં સામેલ થઈ હતી. ગત સોમવારે બપોરે દર્શનભાઈ ઘરે જમવા ગયા ત્યારે મેનેજર અને સ્ટાફની હાજરીમાં ચોરીની ઘટના બની હતી. હર્ષિદા શેટ્ટી ઈમરજન્સી કામ હોવાનું કહીને બપોરે સાડા ચાર વાગે શોરૂમ ખાતેથી નીકળી ગઈ ત્યાં સુધી કોઈને ચોરી થયાનો અંદાજ આવ્યો ન હતો. સાંજે પાંચેક વાગે એક ગ્રાહકને દાગીના બતાવતી વખતે સોનાની એક લકી ઓછી જણાતા તપાસ શરૂ કરાઈ હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજ (CCTV Camera Footage) ચેક કરતા હર્ષિદા શેટ્ટી ચોરી કરતા નજરે પડી હતી. તપાસમાં કુલ 1.66 કરોડના દાગીના ચોરી થયાનું સામે આવ્યું છે.








