નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ : ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો આજે ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ (Narendra Modi at Somnath Temple) પહોંચ્યા હતા. હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલા 2 કિમી લાંબા રોડ-શોમાં ભારે મેદની ઉમટી પડી હતી. મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે.
નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર ખાસ ક્રેનની મદદથી 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. મોદીએ ત્યારબાદ સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જનસભાને સંબોધતા વડાપ્રધાને 11 મેનું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણ (Pokhran Nuclear Test) ને યાદ કર્યું હતું. તેમણે કહ્યું, આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માંગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે. સરદાર પટેલને યાદ કરતાં મોદીએ જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે.
આ પ્રસંગે વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા સોમનાથ (Suryakiran Aerobatic Team at Somnath) ના આકાશમાં અદભૂત હવાઈ દાવપેચ કરવામાં આવ્યા હતા. મોદીએ સોમનાથ અમૃતપર્વ નિમિત્તે રૂપિયા 75નો સ્મારક સિક્કો અને વિશેષ ડાક ટિકિટનું વિમોચન કર્યું હતું.








