બિનીત મોદી (નવજીવન.અમદાવાદ): ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠકના બે મુદત માટે ધારાસભ્ય રહેલા જગદીશચંદ્ર દોલજીભાઈ ડામોર શનિવાર 22 જાન્યુઆરી 2022ના રોજ ખેડબ્રહ્મા ખાતે અવસાન પામ્યા. અવસાન સમયે તેઓ ત્યાંસી વર્ષના હતા. પાંચમી વિધાનસભા-1975માં ખેડબ્રહ્મા બેઠકના સંસ્થા કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય ખાતુજી કાઉડાજી કટારાનું મુદત વચ્ચે અવસાન થયું પછી 1978ની પેટાચૂંટણીમાં અને એ પછી છઠ્ઠી વિધાનસભા 1980-1985માં બીજી વાર તેઓ ચૂંટાઈ આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે 26 ફેબ્રુઆરી 1939ના રોજ તેમનો જન્મ. ઓગણચાલીસ વર્ષની યુવાન વયે 1978માં પેટાચૂંટણી દ્વારા પહેલી વાર ધારાસભ્ય થયા. બી. એ. (ઓનર્સ સાથે) તેમજ એલએલ. બી. નો અભ્યાસ કરીને ખેતી તેમજ વકીલાત કરતા હતા. તેમના સમાજમાં એ સમયે તેઓ સૌથી વધુ ભણેલા યુવાન હતા. એ કારણે જ યુવાનોના આદર્શ હતા. આદિવાસી સેવા સંઘ દ્વારા ધંધાસણ ખાતે સંચાલિત બક્ષી કોમના વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયના સંચાલક રહ્યા હતા. ધારાસભ્ય થયા એ સમયે પાંચ વર્ષથી ઈડર નગર પંચાયતના સભ્ય હતા. ગુજરાત આદિવાસી વિદ્યાર્થી મંડળના સ્થાપક અને કારોબારી સભ્ય, ગુજરાત આદિવાસી યુવક મંડળના ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લા ડુંગરી ગરાસિયા–આદિવાસી પંચમંડળના સલાહકાર તેમજ ટીંટોડા હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે કાર્યરત રહ્યા. વકીલ લેખે ઈડર બાર અસોસિએશનના સભ્ય હતા. સમાજસેવામાં અગ્રેસર હતા. રમતગમત, દોડવાની સ્પર્ધા અને વોલીબોલ રમવાનું પસંદ હતું. પત્નીનું નામ શર્મિલાબહેન તેમજ ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓનો બહોળો પરિવાર. ધારાસભ્ય થયા ત્યારે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા ધંધાસણ ગામે જ રહેતા હતા. તેમના પત્ની શર્મિલાબહેન જગદીશચંદ્ર ડામોર સાતમી વિધાનસભાની ખેડબ્રહ્મા ST અનામત બેઠકની ચૂંટણી અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થયા હતા.
પતિ – પત્ની બન્નેની ઇચ્છા અને લોકપ્રિયતા છતાં કૉંગ્રેસ પક્ષે તેમને સાતમી વિધાનસભાની ટિકિટ ફાળવી નહીં એટલે બન્નેએ અપક્ષ ઉમેદવારી કરી અને પરાજિત થયા. જગદીશભાઈ ડામોરે એ ચૂંટણીમાં ભિલોડા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. શર્મિલાબહેન ડામોર સમય જતા 2004-2009 દરમિયાન ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ થયા.
છ ભાઈ – બહેનોના પરિવારમાં તેમના સૌથી નાના બહેન ડૉ. પ્રભાબહેન ડામોર તબીબી અભ્યાસ કરી ગાયનેક સર્જન થયા. લગ્ન પછી ડૉ. પ્રભાબહેન કિશોરસિંહ તાવિયાડ નામે ઓળખાતા થયા, વ્યવસાયી ધોરણે દાહોદમાં સ્થાયી થયા અને પંદરમી લોકસભા 2009-2014માં દાહોદ લોકસભા બેઠકના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય થયા. તેમના જીવનસાથી ડૉ. કિશોરભાઈ પણ ડૉક્ટર હોવા સાથે પંચમહાલ જિલ્લાના રાજકારણમાં સક્રિય રહ્યા.
જગદીશભાઈ ડામોરના ત્રણ પુત્રોમાંથી ચેતન ડામોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાંથી થયા, દિપક ડામોર ભિલોડા તાલુકા પંચાયતના સભ્ય કૉંગ્રેસમાંથી થયા અને ડૉ. હર્ષ ડામોર ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં ઇલેક્ટ્રો ફિજિયોલોજિસ્ટ તરીકે તબીબી પ્રૅક્ટિસ કરે છે. મેડિકલની ઇલેક્ટ્રો ફિજિયોલોજિસ્ટ શાખા વિશે જાણવા જેવું એ છે કે આ ડૉક્ટર હાર્ટ સર્જરી સમયે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક સાધનોને નિયંત્રિત કરવાનું મહત્ત્વનું કામ કરી હાર્ટ સર્જનને મદદરૂપ થાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












