કિરણ કાપુરે, નવજીવન ન્યૂઝ : વિશ્વમાં આર્થિક અસમાનતાને લઈને હવે કોઈ આશ્ચર્ય રહ્યું નથી. એ સ્થાપિત થઈ ચૂક્યું છે કે જેમ જેમ સમય વહી રહ્યો છે તેમ ગરીબ-તવંગરનું અંતર વધતું રહ્યું છે. વૈશ્વિક અસમાનતા અંગેના રિપોર્ટ (World Inequality Report 2026) દર વર્ષે બહાર પડે છે અને તે અંગે ચર્ચા થાય છે; ફરી વખત એક આવો રિપોર્ટ પ્રકાશિત થયો છે. પરંતુ આ વખતે તેમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા છે અને આર્થિક અસમાનતા ઘટે તેવું એક સમાધાન પણ તે રિપોર્ટમાં આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો આ રિપોર્ટ બહાર પાડનારી સંસ્થા વિશે જાણવું જોઈએ. આ સંસ્થાનું નામ છે : ‘સેન્ટર ફૉર ફાઇનાન્સિઅલ અકાઉન્ટબિલિટી’ (Center for Financial Accountability). આ સંસ્થા આપણા દેશમાં આર્થિક પારદર્શિતામાં સુધારો થાય તે અર્થે કામ કરે છે. તેનું કામ વ્યાપક છે અને તે દેશના વિધવિધ પાસાંને સ્પર્શીને આર્થિક અહેવાલ પ્રકાશિત કરે છે. હાલમાં પ્રકાશિત થયેલો અહેવાલનું મથાળું છે : ‘Wealth Tracker India 2026’. અને તે મથાળામાં શબ્દ મૂકવામાં આવ્યા તે આ છે : ‘ટેક્સ ધ ટૉપ, ક્લૉઝ ધ ગૅપ’ (Tax the Top, Close the Gap) મતલબ કે સૌથી વધુ સંપત્તિ ધરાવનારા પર કર નાંખો અને આર્થિક અસમાનતા ઘટાડો. સરકાર તરફથી આ અસમાનતા ઘટાડવાના અનેક દાવાઓ થાય છે; પણ ક્યારેય આ આર્થિક અંતર ઘટતું નથી.
આ રિપોર્ટના પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે, આજના ભારતમાં આર્થિક અસમાનતા અંગ્રેજોના શાસનમાં હતી તે સ્તર સુધી પહોંચી (Economic inequality like that of the British rule) છે. આપણા દેશમાં 40 ટકા સંપત્તિ પર દેશના ટોચના એક ટકો શ્રીમંત અંકુશ ધરાવે છે. અને સૌથી ટોચના દસ ટકા શ્રીમંતનો આંકડો લઈએ તો તેમની પાસે દેશની સંપત્તિનો 60 ટકા હિસ્સો છે. જ્યારે આર્થિક રીતે સૌથી નીચેના સ્તરમાં આવનારા 50 ટકા લોકોનું અસ્તિત્વ માત્ર 15 ટકા સંપત્તિ પર ટકેલું છે. 1991માં જ્યારે દેશમાં ઉદારીકરણ થયું હતું તે વખતે ડૉલર બિલિયોનરની સંખ્યા માત્ર એક હતી; તે 2025માં 358 સુધી પહોંચી છે. આ રિપોર્ટમાં સૌથી ચોંકવનારા આંકડો ટાંકવામાં આવ્યો છે તે મુજબ દેશના 1668 વ્યક્તિગત લોકો 1000 કરોડ અથવા તેથી વધુ સંપત્તિ ધરાવે છે. 1668નું આ ગ્રૂપ દેશના ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ (GDP) ના અંદાજે 50 ટકા હિસ્સામાં યોગદાન ધરાવે છે, જેથી તેમની સંપત્તિનો આંકડો 166 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યો છે.
હવે એ તો જાણીતી વાત છે કે આપણે અનેક ચીજવસ્તુઓ પર સરકારને કર ચૂકવીએ છીએ. બેંકમાં આપણું નાણું જમા કરીએ છીએ. હવે સરકાર, સરકારની મસમોટી બેન્કો કે પ્રાઇવેટ બેન્ક લોન આપે છે તેમાં તેમણે 19,66,544 કરોડ રૂપિયાની લોન મુખ્યત્વે ટોચના એક ટકા શ્રીમંતોને આપી છે. એક તરફ જ્યાં સરકાર પ્રજાના કલ્યાણ અર્થે બજેટ ફાળવવામાં ખચકાટ રાખે છે, ત્યાં બીજી તરફ લોનરૂપે શ્રીમંતોને લહાણી થઈ રહી છે. ચોક્કસ ભારતમાં બિલિયોનર્સની સંખ્યા વધી છે, ત્યાં બીજી તરફ આપણે ‘હંગર ઇન્ડેક્સ’માં આપણી સ્થિતિ બદ્તર થઈ રહી છે.
આ પ્રકારના આંકડા કોઈ રિપોર્ટમાં આવે છે ત્યારે તેનો ઉકેલ શો હોઈ શકે તે વિશે ઝાઝી ચર્ચા થતી નથી. પરંતુ અહીં તે અંગે પણ સૂચન કર્યા છે; જેમ કે, અઢળક સંપત્તિ ધરાવનારા તવંગર પર કર નાંખવો. આ પ્રકારના કરને કાયદામાં સમાવિષ્ટ કરવો જોઈએ. સામાન્ય લોકોના જીવનમાં ફેર પડી શકે તે પ્રકારનો કર નાંખવાની આ રિપોર્ટમાં તરફેણ કરવામાં આવી છે. રિપોર્ટમાં અનેક ચોંકવનારી વિગતો મૂકી છે. જેમ કે એક વિગત એ પણ છે કે ભારતમાં 90 ટકા બિલિયોનર ઉચ્ચ જ્ઞાતિમાંથી આવે છે. વિશેષ કરીને રિપોર્ટમાં મુકેશ અંબાણી (Mukesh Ambani), ગૌતમ અદાણી (Gautam Adani), સાવિત્રી જિંદાલ અને પરિવાર, સુનિલ મિત્તલ અને પરિવાર, શિવનાદર જેવાની આવક 2019થી 2025માં 400 ટકા વધી છે. મુકેશ અંબાણીની આ ગાળામાં સંપત્તિ વધી તેની ટકાવારી 153 ટકા છે; જ્યારે અદાણીની ટકાવારી 625 ટકાની છે. એ રીતે જોઈએ તો અંબાણી કરતા અદાણી પરિવારે આવકના મામલામાં આ છ વર્ષના ગાળામાં ચાર ગણી ફલાંગ મારી છે.
2019માં એક હજાર કરોડની વ્યક્તિગત સંપત્તિ ધરાવનારા ભારતીયોની સંખ્યા 953 હતી. આ તમામની સંપત્તિનો કુલ આંકડો 50 લાખ કરોડ થતો હતો. તે પછી કોરોના આવ્યો અને તેમાંથી 125 કરોડપતિઓની બાદબાકી થઈ. જોકે તેમ છતાં તેમની કુલ સંપત્તિના આંકડામાં જરાસરખો ફરક ન પડ્યો. 2021 સુધીમાં તો કરોડપતિઓએ પોતાની સંપત્તિ પાછી મેળવી લીધી. અને તે પછી 1000 કરોડની સંપત્તિ ધરાવનારાઓની સંખ્યા એક હજાર ઉપર થઈ ગઈ. બલકે, જે આંકડો 50 લાખ કરોડનો હતો તે સંપત્તિ 90 લાખ કરોડ સુધી પહોંચી ગઈ. મતલબ કે કોવિડ પહેલાંની સ્થિતિ કરતાં કરોડપતિઓની કુલ સંપત્તિમાં 50 ટકા જેટલો વધારો થયો. તવંગર કોરોના દરમિયાન ન માત્ર અસ્તિત્વ ટકાવી શક્યા, બલકે તેમણે તેનો ભરપૂર ઉપયોગ કર્યો હોય તેમ તેમની આવક પરથી ફલિત થાય છે.
હવે તેમાં જ્ઞાતિના હિસાબે કરોડપતિઓ જોઈએ તો રિપોર્ટમાં ‘હુરુન ઇન્ડિયા’ના આંકડા ટાંકવામાં આવ્યા છે. ‘હુરુન ઇન્ડિયા’ પણ એક સંશોધન કરનારી સંસ્થા છે અને તેમનો ઉદ્દેશ છે કે ભારતીય અર્થતંત્રને કંપની અને ઉદ્યોગસાહસિકોના દૃષ્ટિએ જોવું. કરોડપતિઓની યાદીમાં અગ્રવાલ અને ગુપ્તા અટક ધરાવનારા ટોચ પર છે. આ બંને અટક ધરાવનારા કરોડપતિઓની સંખ્યા 12-12 છે. તે પછીની અટક પટેલ છે. જેમાં એક હજાર કરોડની સંપત્તિ ધરાવનારાઓના પટેલની સંખ્યા દસ છે. જૈન અટક ધરાવનારા 9 છે. તે પછી ગોએન્કા, શાહ અને મહેતા અટક ધરાવનારા કરોડપતિઓ 5-5 છે. તેમાં સિંઘ, રાવ અને દોશી ઉમેરીએ એટલે ભારતના ટોચના દસ કરોડપતિઓની અટક સમાવિષ્ટ થાય છે. આ રીતે એક અન્ય સંસ્થા ‘વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ’ મુજબ ભારતમાં 90 ટકા કરોડપતિઓ સવર્ણ જ્ઞાતિમાંથી આવે છે. આદિવાસી સમાજનું તેમાં કોઈ જ પ્રતિનિધિત્વ નથી. ‘ઓબીસી’નું તેમાં પ્રતિનિધિત્વ માત્ર 10 ટકા છે, જ્યારે સ્કેડ્યૂલ કાસ્ટ્સનું પ્રતિનિધિત્વ માંડ અઢી ટકા જેટલું છે. ‘સેન્ટર ફૉર ફાઇનાન્સિઅલ અકાઉન્ટબિલિટી’ના અલગ-અલગ પાને સામાજિક કાર્યકરોએ અસામનતા વિશે જે કંઈ કહ્યું હોય તે નિવેદન મૂકવામાં આવ્યા છે. એક નિવેદન ‘નર્મદા બચાવો આંદોલન’નાં આગેવાન મેધા પાટકરનું છે. તેઓ કહે છે કે, ‘સરકાર અને તેમના પાર્ટનર કોર્પોરેટ્સ માટે નફો જ સર્વસ્વ છે. તેઓ આપણા લોકો અને આપણી કુદરત પાસેથી નફો રળે છે. અને તેથી જ અસામનતા વધી રહી છે. આની સાથે કેવી રીતે કામ પાર પાડી શકાય? એ જરૂરી છે કે આપણા કરનું માળખામાં પરિવર્તન લાવવું જોઈએ. આપણા લોકો માટે એક ટકાથી વધુ પર વધારાનો કર નાંખવો જોઈએ.’ આ રીતે કર લેવામાં આવે તો તેનો લાભ લોકોને કેટલો થઈ શકે અને તે રકમ શું હોઈ શકે તેની વિગત પણ અહેવાલમાં આપવામાં આવી છે. જેમ કે, મુકેશ અંબાણીની હાલમાં કુલ સંપત્તિ 9.15 લાખ કરોડ છે. જો છેલ્લા સાત વર્ષમાં તેમની પાસેથી માત્ર બે ટકા કર લેવામાં આવ્યો હોત તો પણ તેનાથી 1,02,427 કરોડ રૂપિયા મેળવી શકાયા હોત. આ રકમથી દસમા ધોરણના અંદાજે 1.85 કરોડ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનું લેપટોપ આપી શકાય. તેનો કુલ ખર્ચ 37,000 કરોડ જેટલો આવે. આવું ત્રણ વર્ષ કરી શકાય. એ પ્રમાણે જિલ્લાવાર ચાલતી 759 હોસ્પિટલ્સને ચાર વર્ષ સુધી ભંડોળ પૂરુ પાડી શકાય. એક વર્ષનો ખર્ચ તેમાં 24,288 કરોડ જેટલો આવવાનો અંદાજ છે. આ રકમથી દેશની એક લાખ શાળાને એક કરોડ રૂપિયાની રાશિ આપીને અપગ્રેડ કરી શકાય. એ રીતે ગૌતમ અદાણીના આવકમાંથી પણ બે ટકાનો કર સાત વર્ષ સુધી લેવામાં આવે તો તે રકમ 87,268 કરોડ થાય છે.
આ રીતે લોકોના હિતમાં કેવી રીતે ભંડોળ ઉપયોગમાં લઈ શકાય અને તેમ છતાં તેનાથી કરોડપતિઓની આવકમાં ઝાઝો ફેર પડવાનો નથી. જોકે આ પ્રકારના રિપોર્ટ વિશે અમલીકરણનો મુદ્દો આવે છે ત્યારે સરકાર હંમેશા લોકો સાથે નહીં પણ કરોડપતિઓ સાથે દેખા દે છે. હવે તો આ ચિત્રથી દેશની પ્રજા એટલી ટેવાઈ ચૂકી છે કે તેણે આ પ્રકારની અપેક્ષા રાખવાનું પણ છોડી દીધું છે. પરંતુ જ્યાં સુધી આ મુદ્દે કશું ઠોસ નહીં થાય ત્યાં સુધી આર્થિક અસમાનતા હજુ પણ વધશે.








