નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગરના ચિલોડા હાઈવે પર પાલજ ગામના પાટીયા નજીક થયેલા ગંભીર અકસ્માતમાં રાંધેજા ગામના યુવકનું અકાળે અવસાન થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. યુવકનું મોત થતાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, રાંધેજા ગામના ઠાકોર વાસમાં રહેતા અને મજૂરી કામ કરતા કરણજી બળદેવજી ઠાકોર બાઈક લઈને પાલજ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવતી ફોર વ્હીલર ગાડી (નં. GJ-18BJ-3334) ના ચાલકે પોતાની ગાડી ઝડપી અને ગફલતભરી રીતે હંકારી તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં કરણજીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ટૂંકી સારવાર બાદ કરણજીને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સમયે મૃતકના પિતરાઈ ભાઈ દલપતજી રામાજી ઠાકોર લગ્ન પ્રસંગમાં હાજર હતા. ફોન દ્વારા માહિતી મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ચિલોડા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








