Thursday, April 30, 2026
HomeGujaratગુજરાત સરકારના ગાલ પર લાલચોળ તમાચોઃ HC એ 3 યુવતીઓને સરકારી નોકરી...

ગુજરાત સરકારના ગાલ પર લાલચોળ તમાચોઃ HC એ 3 યુવતીઓને સરકારી નોકરી આપવા કર્યો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત સરકારના વર્ષ 2018ના વિવાદિત પરિપત્રને લઈને તે સમયે ભારે વિવાદ થયો હતો. આ પરિપત્રના કારણે SC, ST અને OBC વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાય થતો હોવાના આરોપો સામે આવ્યા હતા. ત્યારબાદ સરકારે આ પરિપત્ર રદ કરીને નવો પરિપત્ર જાહેર કર્યો હતો. હવે આ જ પરિપત્રના કારણે નોકરીથી વંચિત રહેલી ત્રણ યુવતીઓને 6 વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોકરી આપવા હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયે સરકારના ગાલ પર સણસણતો તમાચો લગાવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

આ ત્રણેય યુવતીઓ સેનેટરી ઈન્સપેક્ટરની નોકરી માટે પાત્ર હોવા છતાં પણ તે સમયના પરિપત્રના કારણે નોકરી મેળવી શકી નહોતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ, 2018ના રોજ મહિલા અનામત અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેને લઈને દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ગાંધીનગરમાં આ પરિપત્રને જાહેરમાં સળગાવી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ મામલે બાદમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરિપત્રને રદ કરવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં પછાત વર્ગની મહિલાઓને અનામતનો લાભ મળી શકે. હવે આ જ મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ત્રણ અરજદાર યુવતીઓને ન્યાય મળ્યો છે.

આ યુવતીઓમાં અંકિતા પરમાર, રમીલા વાઘેલા અને સુધા વરણનો સમાવેશ થાય છે. વધુ માર્ક્સ હોવા છતાં તેઓને ઓપન મેરિટમાં પસંદગી આપવામાં આવી નહોતી. એડવોકેટ કેવલસિંહ રાઠોડ દ્વારા કરાયેલી રજૂઆત બાદ હાઇકોર્ટે આ યુવતીઓને સરકારી નોકરી આપવા હુકમ કર્યો છે.

હાઈકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બે અઠવાડિયામાં આ યુવતીઓના પક્ષમાં સરકાર સમક્ષ ભલામણ કરવા જણાવ્યું છે. સાથે જ રાજ્ય સરકારને 6 અઠવાડિયામાં આ ત્રણેય યુવતીઓને ફરજ પર હાજર કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી મૂળ ભરતી સમયથી ગણવાની પણ હુકમ કરવામાં આવી છે.

- Advertisement -

પરિપત્રના વિવાદની વાત કરીએ તો, 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુજબ SC, ST અને OBC વર્ગની મહિલા ઉમેદવારોને સરકારી નોકરીમાં માત્ર અનામત સીટ પર જ ઉમેદવારી કરવાની મંજૂરી હતી. ભલે તેઓ ઓપન મેરિટમાં પાત્ર હોય, છતાં અનામત સીટ ન હોય તો નોકરી આપી શકાય નહીં. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે આ જોગવાઈને રદ કરી અને ઓપન મેરિટમાં સમાવેશ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

પછી ગુજરાત સરકારે 2 સપ્ટેમ્બર 2020ના રોજ નવો પરિપત્ર જાહેર કરીને તમામ ઉમેદવારોને ઓપન મેરિટમાં પ્રવેશ આપવા માટે જોગવાઈ કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular