નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં અભ્યાસ કરતી BSC નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને કોલેજ કેમ્પસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે હોસ્ટેલના રૂમ નંબર A-208માં રહેતી હતી.
ઘટનાની વિગત અનુસાર, નર્સિંગ કોલેજની પરીક્ષા એક દિવસ અગાઉ જ પૂર્ણ થઈ હતી. તે સમયે અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં કોઈ હાજર નહોતું. આ દરમિયાન અસ્મિતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.
હોસ્ટેલના સફાઈ કર્મચારી રૂમ સાફ કરવા પહોંચ્યા ત્યારે દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા શંકા ગઈ હતી. બાદમાં દરવાજો તોડીને અંદર પ્રવેશતા વિદ્યાર્થીની પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તરત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણા DySP મિલાપ પટેલે જણાવ્યું કે ઘટનાસ્થળને કોર્ડન કરીને જરૂરી પુરાવા, દસ્તાવેજો અને કોલેજ સંબંધિત સામગ્રી કબજે કરવામાં આવી છે. મૃતકના માતા-પિતા અને સગા-સંબંધીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, તેમજ હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ ચાલી રહી છે. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાની જાણ થતા નવસારીમાં રહેતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેઓ તાત્કાલિક મહેસાણા પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2025માં પણ મર્ચન્ટ હોમિયોપેથી કોલેજની હોસ્ટેલમાં સુરેન્દ્રનગરની 18 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો, જેમાં પરિવાર દ્વારા પ્રોફેસરોના ત્રાસના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ નવી ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને હોસ્ટેલમાં રહેલી પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.








