નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના અડાજણ વિસ્તાર હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરને લઈને ચાલતા વિવાદ વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન તંગદિલી સર્જાઈ હતી. ભાજપના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર માટે પહોંચતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ‘ભાજપ ગો બેક’ના નારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલા આરક્ષણના નામે દેશ વ્યાપી સંબોધન આપે, જેમાં મહિલાઓની કોંગ્રેસ અવગણના કર્યાની વાતો કરે છે ત્યાં તેમની જ સેના મહિલાઓને ધક્કા મારીને ચૂંટણી પ્રચાર કરે તેવો ઘાટ સર્જાયો છે.
સ્થાનિક લોકો દ્વારા ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપના કાર્યકર્તાએ ધક્કો માર્યાનો આક્ષેપ થયો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે.
ગોરાટ હનુમાન મંદિર ચોક પાસે એક તરફ શ્રદ્ધાળુઓ હનુમાન ચાલીસાના પાઠમાં વ્યસ્ત હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય તણાવ જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવતા સ્થાનિકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો. લોકોનો આક્ષેપ હતો કે મંદિર મુદ્દે વર્ષોથી કોઈ પગલાં લેવાયા નથી.
મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી વધીને ધક્કામુક્કી અને મારામારી સુધી પહોંચી હતી. અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારમાં કેટલીક મહિલાઓએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર અભદ્ર વર્તન અને મારપીટના આક્ષેપો કર્યા છે. મહિલાઓનું કહેવું છે કે ધક્કામુક્કી દરમિયાન તેમના કપડાં પણ ફાટી ગયા હતા.
આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે અને ભાજપ વિરુદ્ધ મહિલાઓમાં ખાસ કરીને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક લોકો મુજબ વિવાદનું મુખ્ય કારણ ગોરાટ વિસ્તારમાં અશાંતધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો છે. તેઓનો આરોપ છે કે આ બાંધકામ હનુમાન મંદિરની નજીક થઈ રહ્યું છે અને વર્ષોથી વિરોધ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોનો રોષ શાંત પડ્યો નહોતો.
બીજી તરફ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાએ ટેલિફોનિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, “અમારા પર પણ હુમલો થયો છે અને અમે પણ ઈજાગ્રસ્ત થયા છીએ.”
સ્થાનિક રહીશ જમીના પટેલે જણાવ્યું કે, “અમે તેમને મંદિરમાં જવા દીધા હતા, પરંતુ જ્યારે તેઓ સોસાયટીમાં પ્રચાર કરવા આવ્યા ત્યારે અમે વિરોધ કર્યો. ભક્તિના નામે વોટ માંગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ વર્ષો જૂનો છે.” તેમણે આક્ષેપ કર્યો કે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક યુવતી આયુષી પટેલે પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “મંદિર મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, તો પછી અહીં પ્રચાર કરવા આવવાનો હક શું?” તેણે વધુમાં કહ્યું કે જો ઉમેદવારો જ મહિલાઓ પર હાથ ઉઠાવે તો સુરક્ષા અંગે સવાલ ઊભા થાય છે.
સ્થાનિકોએ પૂર્ણેશ મોદી, હેમાલી બોઘાવાલા, વૈશાલી શાહ અને હર્ષ મહેતા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટનાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સુરક્ષા અને જાહેર વિશ્વાસ અંગે નવા સવાલો ઊભા કર્યા છે.








