નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેરની જી. જી. હૉસ્પિટલ (G G Hospital Jamnagar) અવ્યવસ્થાને કારણે ફરી એક વખત ચર્ચામાં આવી છે. હૉસ્પિટલમાં એક્સ-રે મશીનમાં ખામી (Fault in X-ray machine) સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હૉસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે આ ખામી આરોગ્ય સેવાઓ પર સીધી અસર પહોંચાડે છે.
જી. જી. હૉસ્પિટલમાં રોજના અંદાજે ત્રણેક હજાર જેટલા દર્દીઓની ઓપીડી હોય છે. જેમાંથી આશરે અનેક દર્દીઓને એક્સ-રે કરાવવો જરૂરી હોય છે. થોડા દિવસો પહેલાં હૉસ્પિટલમાં આવેલા એક્સ-રે મશીન અચાનક બંધ થઈ જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હૉસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હૉસ્પિટલ કમ્પાઉન્ડમાં નવી સોનોગ્રાફીની સામે 2 નંબરમાં ઉભી કરવામાં આવી છે. જ્યાં ત્રણ જેટલા એક્સ-રે મશીનો હોવાનું ટેકનિશિયનોનું કહેવું છે, આમ છતાં દર્દીઓની ભીડ વધુ રહેતી હોવાથી કલાકો સુધી દર્દીઓને એક્સ-રે માટે રાહ જોવી પડે છે. સૂત્રોના જણાવ્યાનુસાર બેએક દિવસમાં એક્સ-રે મશીનની ખામી દૂર થઈ જશે.








