નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ મહારાષ્ટ્રના અમરાવતીમાં નાબાલિકાઓના યૌન શોષણ અને બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી મોહમ્મદ અયાજ ઉર્ફે અયાન મહંમદ તનવીરના પરતવાડા વિસ્તારમાં આવેલા ઘેર 15 એપ્રિલે બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અયાને આશરે 180 નાબાલિકાઓનો યૌન શોષણ કર્યો હતો. તેના મોબાઈલ ફોનમાંથી 350થી વધુ અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. આરોપી લાંબા સમયથી નાબાલિકાઓને બ્લેકમેલ કરીને તેમના શોષણમાં સંકળાયેલો હતો.
આ સમગ્ર મામલો ડૉ. અનિલ બોન્ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો હતો. તેમણે જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં આરોપી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, આરોપી નાબાલિકાઓને મુંબઈ અને પુણે લઈ જઈ તેમના અશ્લીલ વીડિયો બનાવતો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમને દબાણમાં રાખતો હતો. આ રીતે તેમને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે.
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી અયાનને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જિલ્લા પ્રશાસને તેની સામે વધુ કડક કાર્યવાહી કરતાં તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યો હતો.
આ ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને કાયદા-વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.








