નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પાયલ સાકરિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહેલી પાયલ સાકરિયાએ દાવો કર્યો છે કે ભાજપ દ્વારા ડર, ધમકી અને લાલચની રાજનીતિ કરવામાં આવી રહી છે.
પાયલ સાકરિયાના જણાવ્યા અનુસાર, 2021થી તેઓ અને તેમની ટીમ સતત લોકોની વચ્ચે રહીને સેવા આપી રહી છે. તેમણે દાવો કર્યો કે વિપક્ષમાં રહીને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 380 કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપ 30 વર્ષના શાસનમાં તેવા કામ કરી શક્યું નથી.
તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લલચાવી રહ્યા છે અને ભાજપમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે. સાથે જ, જે લોકો AAPને કાર્યાલય માટે જગ્યા આપે છે, તેમને પણ ધમકી આપવામાં આવી રહી છે.
પાયલ સાકરિયાએ જણાવ્યું કે, “જો કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીને કાર્યાલય માટે જગ્યા આપે છે, તો ભાજપના લોકો જઈને કહે છે કે તમારી દુકાન તોડી નાખીશું, તમારું બાંધકામ અટકાવીશું અને તમારો ધંધો બંધ કરાવીશું.”
તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરી અને લોકશાહી વિરોધી વર્તનથી મતદારો પ્રભાવિત નહીં થાય. “લોકો અમારી સાથે છે અને આવનારી ચૂંટણીમાં આ ગુંડાગીરીનો યોગ્ય જવાબ આપશે,” એમ તેમણે ઉમેર્યું.
પાયલ સાકરિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી “રાજનીતિ બદલવા” અને “સિસ્ટમ સુધારવા” માટે મેદાનમાં ઉતરી છે. તેમણે દાવો કર્યો કે વરાછા અને કતારગામ વિસ્તારમાં રસ્તા, હોસ્પિટલ અને શાળાઓના વિકાસમાં નોંધપાત્ર સુધારા થયા છે.
તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે તેઓ ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવવા માટે દબાણ કરે છે અને પૈસાની લાલચ આપે છે. “જો તમે વર્ષોથી સત્તામાં હોવા છતાં કામ કર્યું હોત, તો આજે પૈસાથી લોકો ખરીદવાની જરૂર ન પડત,” એમ તેમણે કટાક્ષ કર્યો.
અંતમાં તેમણે કહ્યું કે વોર્ડ નંબર 16ના લોકો ભાજપના “પૈસા અને સત્તાના ઘમંડ”ને તોડી બતાવશે અને વિકાસના આધારે મતદાન કરશે.








