Thursday, April 16, 2026
HomeInternationalટ્રમ્પની મિત્રતા ભારે પડી, હંગેરીમાં સત્તા પરિવર્તન: 16 વર્ષથી સત્તામાં રહેલા વિક્ટર...

ટ્રમ્પની મિત્રતા ભારે પડી, હંગેરીમાં સત્તા પરિવર્તન: 16 વર્ષથી સત્તામાં રહેલા વિક્ટર ઓર્બાન હાર્યા, પીટર માજ્યાર બનશે નવા વડાપ્રધાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ યુરોપના દેશ હંગેરીમાં મોટા રાજકીય પરિવર્તન સાથે 16 વર્ષથી સત્તામાં રહેલા વડાપ્રધાન વિક્ટર ઓર્બાનને ચૂંટણીમાં પરાજય મળ્યો છે. 45 વર્ષીય નેતા પીટર માજ્યારએ તેમની સામે જીત મેળવી છે, જે દેશની રાજકીય દિશામાં મોટો ફેરફાર દર્શાવે છે.

ચૂંટણી પરિણામ મુજબ, મતગણતરીના 77 ટકા તબક્કા સુધી માજ્યારની તિસ્ઝા પાર્ટીને 53 ટકાથી વધુ મત મળ્યા હતા, જ્યારે ઓર્બાનની ફિદેઝ પાર્ટી આશરે 38 ટકા પર સીમિત રહી હતી. જોકે, સંસદમાં બે-તૃતિયાંશ બહુમત મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

- Advertisement -

પીટર માજ્યાર આગામી સપ્તાહે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. જીત બાદ તેમણે દેશના લોકોનો આભાર માન્યો અને વિકાસ, સુશાસન તથા લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, પરાજય બાદ વિક્ટર ઓર્બાને પણ નિવેદન આપી જીતનાર પક્ષને અભિનંદન પાઠવ્યા અને હવે વિરોધપક્ષમાં રહીને દેશની સેવા કરવાની વાત કરી.

વિશ્લેષકોના મતે, હંગેરીની જટિલ ચૂંટણી પ્રણાલી અને સંસદની રચના એવી છે કે મોટા સુધારા માટે બે-તૃતિયાંશ બહુમત જરૂરી બને છે. ન્યાયપાલિકા પર નિયંત્રણ, મીડિયા નીતિઓમાં ફેરફાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઇમિગ્રેશન જેવી નીતિઓમાં બદલાવ લાવવા માટે આ બહુમત મહત્વપૂર્ણ રહેશે.

આ પરિણામ યુરોપમાં વધતી દક્ષિણપંથી રાજનીતિ માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ મતદારોને રાષ્ટ્રવાદી રાજનીતિ વિશે ફરી વિચારવા પ્રેરિત કર્યા છે.

- Advertisement -

વિક્ટર ઓર્બાન લાંબા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા તરફી માનવામાં આવતા રહ્યા છે. તેમણે યુરોપિયન યુનિયનના યુક્રેન સહાય પેકેજને પણ અવરોધ કર્યો હતો. યુરોપિયન યુનિયન તરફથી હંગેરીની લોકશાહી સંસ્થાઓ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે પીટર માજ્યાર અગાઉ ઓર્બાનના નજીકના સાથી રહ્યા હતા, પરંતુ 2024માં એક વિવાદ બાદ તેમણે અલગ માર્ગ અપનાવ્યો હતો. આ વિવાદ એક એવા કેસ સાથે સંકળાયેલો હતો જેમાં બાળ યૌન શોષણ મામલે દોષિતને માફી આપવામાં આવી હતી, જેના કારણે રાજકીય તોફાન મચ્યું હતું.

ઓર્બાનનો રાજકીય સફર પણ નોંધપાત્ર રહ્યો છે. 1980ના દાયકામાં તેઓ એક ઉદારવાદી વિદ્યાર્થી નેતા તરીકે ઉભર્યા હતા, પરંતુ પછી તેઓ ધીમે ધીમે જમણાપંથી અને ક્રિશ્ચિયન રાષ્ટ્રવાદી વિચારધારાની તરફ વળ્યા. તેમની સરકાર પર ભ્રષ્ટાચાર અને સત્તાના કેન્દ્રીકરણના આરોપો પણ લાગતા રહ્યા છે.

- Advertisement -

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવી સરકાર યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથેના સંબંધોને કેવી રીતે સંતુલિત કરશે. પીટર માજ્યારની આગેવાની હેઠળ હંગેરીની વિદેશ નીતિ અને આંતરિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે.

આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન નહીં, પરંતુ હંગેરીની રાજકીય દિશામાં મોટા બદલાવનો સંકેત માનવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular