Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadપડોશી પર ભરોસો ના થાય તેવી ઘટના- સુરતમાં બુંદીના લાડુનો પ્રસાદ આપી...

પડોશી પર ભરોસો ના થાય તેવી ઘટના- સુરતમાં બુંદીના લાડુનો પ્રસાદ આપી આખા પરિવારને પતાવવાના ખેલની આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : અમદાવાદમાં તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાનારા પ્રજાપતિ પરિવારની બે બાળકીઓના મોતની ઘટનાએ પોલીસ અને FSL ને એકાદ સપ્તાહથી કામે લગાડી છે. દરમિયાનમાં સુરત શહેરમાં ઝેરી લાડુ (Poisonous Laddu Case Surat city) ખાવાથી ડોંડા પરિવારની પુત્રવધુ અને સસરાની હાલત બગડી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન (Uttaran Police Station) માં ઘટના અંગે જાણવા જોગ નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઝેરી લાડુ પાડોશમાં રહેતા પરિવારે મુક્યા હોવાની આશંકાના પગલે પોલીસે તેમની તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવવા પ્રયાસ આરંભ્યો છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ‘શાલીગ્રામ સ્ટેટ્સ’ જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન ‘પ્રસાદ’નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરાયો છે. ‘શાલીગ્રામ સ્ટેટ્સ’માં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવાર સાથે આ ઘટના બની છે. 10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ડોંડા ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં શુભ પ્રસંગ કે માનતા પૂરી થતાં પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે. જેથી ગોરધનભાઈએ શંકા કર્યા વિના ‘પ્રસાદ’ સમજીને ઘરમાં લઈ ગયા હતા. ગોરધનભાઈ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા બાદ ગણતરીની સમયમાં જ બંનેને ચક્કર આવી ઉલટીઓ થવા લાગી હતી. ગભરામણ અને બેચેની થવી અને બેભાન થઈ જવા જેવી અસરો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

- Advertisement -

સારવાર દરમિયાન દર્દીઓની હાલત જોતા ડૉક્ટરને શંકા ગઈ હતી. આ ઘટના બાદ બાકી બચેલા લાડુની તપાસ કરવામાં આવી તો લાડુમાંથી અનાજમાં જીવાત થતી અટકાવવા વપરાતી ઝેરની ગોળીઓ મળી હતી. ઘટનાની જાણ થતાં વેંત ઉત્રાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સોસાયટીના CCTV Footage તપાસતા 5 જેટલાં શંકાસ્પદ વ્યક્તિઓ કેમેરામાં કેદ થયા છે. ઝેરી મનાતા લાડુનું સેમ્પલ મેળવીને પોલીસે FSL માં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યું છે. FSL Report આવ્યા બાદ પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular