નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) હેઠળ કાર્યરત હજારો પ્રાથમિક શિક્ષક (Primary Teachers) હાલ આર્થિક મુંઝવણમાં મુકાયા છે. ચાલુ મહિને દિવસો વીતી ગયા હોવા છતાં તેમને પગાર મળ્યો નથી. જેના કારણે શિક્ષક પરિવારોની અનેક આર્થિક ગણતરીઓ ખોરવાઈ ગઈ છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે શિક્ષક સંગઠનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. શૈક્ષિક સંઘે સરકારના દ્વાર ખખડાવી ઉકેલ લાવવા માગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી મુશ્કેલી ટાળવા માટે ‘એડવાન્સ ગ્રાન્ટ’ ફાળવવા આગ્રહ રાખ્યો છે.
ગ્રાન્ટની ફાળવણીમાં થયેલા વિલંબ અથવા વહીવટી પ્રક્રિયાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકોના ખાતામાં આ મહિને પગાર જમા થયો નથી. આ ગંભીર મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ (Shikshik Sangh) દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પગાર ન થવાને કારણે શિક્ષકોને ઘરખર્ચ, બેંકના હપ્તા (EMI) અને અન્ય અનિવાર્ય ખર્ચાઓમાં મોટી અડચણ આવી રહી હોવાની સંઘની રજૂઆત છે.
શૈક્ષિક સંઘે રજૂઆતમાં માગ કરી છે કે, સરકારે તાત્કાલિક અસરથી પગાર ગ્રાન્ટ (Salary Grant) મંજૂર કરવી જોઈએ. જેથી વિલંબિત થયેલા પગારની ચૂકવણી કરી શકાય.








