Friday, May 1, 2026
HomeGujaratAhmedabadનજીવી બાબતે હિંસક બનતા વિદ્યાર્થીઓઃ અમદાવાદ અને સુરતમાં તિક્ષણ હથિયારથી બે સગીર...

નજીવી બાબતે હિંસક બનતા વિદ્યાર્થીઓઃ અમદાવાદ અને સુરતમાં તિક્ષણ હથિયારથી બે સગીર પર હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં સગીરો હિંસક બની રહ્યાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. નજીવી બાબતોને લઈને સુરત અને અમદાવાદમાં એમ બે સ્થળોએ અનુક્રમે ધોરણ 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પર સગીરોએ તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે, ઓગસ્ટ-2025માં અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને નારણપુરાની નેશનલ સ્કૂલમાં હત્યાના પ્રયાસની ઘટનાઓ ઘટી ચૂકી છે.

સુરતમાં ધો.10ના વિદ્યાર્થીને ચપ્પાના ઘા માર્યા

- Advertisement -

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર ચકચારી ઘટના બની છે. શાળાના ફંક્શન દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને અડી જતાં બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડામાં ધોરણ 9માં ભણી રહેલા વિદ્યાર્થીઓએ અદાવત રાખીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરી ત્રણ ઘા મારી દીધા છે. ગંભીર રીતે ઘાયલ સગીરને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

ટ્યૂશનમાં બબાલ, એક વિદ્યાર્થીએ બીજાને છરી મારી

અમદાવાદના બાપુનગર હીરાવાડી નજીક રહેતો 17 વર્ષીય સગીર ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતિક શાક માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જતા સગીરને અન્ય વિદ્યાર્થી સાથે ટ્યૂશન કલાસમાં બેસવા મુદ્દે ઝઘડો થાય છે. આ ઝઘડાની અદાવત રાખીને અન્ય વિદ્યાર્થીએ ટ્યૂશન કલાસમાંથી બહાર આવેલા ધો.11ના વિદ્યાર્થી સાથે ફરી બોલાચાલી કરી પેટમાં છરીનો ઘા મારી દે છે. બાપુનગર હીરાવાડી નજીક રહેતા સગીરને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયો છે. બીજી તરફ બાપુનગર પોલીસે હત્યાના પ્રયાસનો મામલો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને અટકમાં લેવા કાર્યવાહી કરી છે.

- Advertisement -

આમ ગુજરાતમાં દર થોડા દિવસે વિદ્યાર્થીઓ વચ્ચે ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે થતી માથાકુટોમાં મામલો હિંસા સુધી પહોંચી જાય તેવા દાખલાઓ સામે આવવા લાગ્યા છે. જે ચિંતાજનક રીતે આ ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તે આપણા સમાજ માટે લાલબત્તિ સમાન બન્યા છે. શાળામાં અહિંસાના જાણે પાઠ ભણાવવા અનિવાર્ય બન્યા હોય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular