Thursday, April 16, 2026
HomeGujarat'એપ્સ્ટીન ફાઈલ કરતા પણ વધારે બદતર'- ઈન્દ્રભારતી બાપુ પર અમરગિરી બાપુના ગંભીર...

‘એપ્સ્ટીન ફાઈલ કરતા પણ વધારે બદતર’- ઈન્દ્રભારતી બાપુ પર અમરગિરી બાપુના ગંભીર આરોપ

- Advertisement -

જૂનાગઢના અખાડામાં મહાભારત: ભવનાથ તળેટીમાં હવે સંતો વચ્ચે જામ્યું યુદ્ધ, અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ પર કર્યા સનસનીખેજ આક્ષેપ – ‘સાધુના વેશમાં કુકર્મ કરે તેમના કપડાં ઉતારો!’

નવજીવન ન્યૂઝ.જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલો મહાશિવરાત્રિનો મેળો ભલે સંપન્ન થઈ ગયો હોય, પરંતુ ભવનાથ તળેટીમાં વિવાદોનો વંટોળ હજુ શમ્યો નથી. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન પ્રકરણે જે વિવાદ છેડાયો હતો, તેમાં હવે સાધુ સમાજની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ વિરુદ્ધ એકના એક ગંભીર આક્ષેપો કરતી પત્રિકા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે હવે અમરગિરી બાપુએ પણ ઝંપલાવતા ઈન્દ્રભારતી બાપુ સામે સીધા જ શાબ્દિક પ્રહારો કર્યા છે.

- Advertisement -

‘એપસ્ટીન ફાઇલ’ જેવો ધડાકો
ભવનાથના અમરગિરી બાપુએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના સૂરમાં સૂર પુરાવતા ઈન્દ્રભારતી બાપુ સામે અત્યંત ગંભીર ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, “રૂદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન ચાલી રહ્યું છે, તે અમેરિકાની કુખ્યાત ‘એપસ્ટીન ફાઈલ’ ખુલે તેના કરતા પણ વધારે બદતર છે.” તેમણે ઉમેર્યું કે સાધુના વેશમાં રહીને કુકર્મ કરનારાઓના કપડાં ઉતરાવી લેવા જોઈએ.

વાયરલ પત્રિકામાં શું છે આક્ષેપો?
સોશિયલ મીડિયામાં ‘સનાતન ધર્મના શુભચિંતક’ના નામે ફરતી થયેલી એક પત્રિકામાં ઈન્દ્રભારતી બાપુના ભૂતકાળ અને ચરિત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે:

  • તેમનું મૂળ નામ અરવિંદ ગોસ્વામી હોવાનો દાવો.
  • ભૂતકાળમાં મુંબઈ અને ઘાંટવડ સાથેના તેમના કનેક્શન અને આર્થર રોડ જેલના ઉલ્લેખ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓના આક્ષેપ.
  • ચાની કીટલી અને સેલ્સમેન તરીકે કામ કરનાર વ્યક્તિ પાસે અચાનક આટલી સંપત્તિ ક્યાંથી આવી?
  • આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે શું વિશેષ વ્યવસ્થા હોય છે? તેવા સવાલો ઊભા કરાયા છે.

ગુરુભાઈની હત્યા અને રાજકીય ષડયંત્ર
અમરગિરી બાપુએ માત્ર ચરિત્ર પર જ નહીં, પરંતુ ગુનાહિત ઈતિહાસ પર પણ અંગુલિનિર્દેશ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમના ગુરુભાઈ રમેશગીરી બાપુની હત્યા પાછળ પણ આ જ લોકોનો હાથ હોઈ શકે છે. આ ઉપરાંત, તેમણે રાજકીય વિવાદ છેડતા કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક તાત્કાલિક કરવાની પણ માગ કરી છે.

- Advertisement -

કીર્તિ પટેલ વિવાદ અને પોલીસ કાર્યવાહી
એક તરફ સાધુઓ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ કીર્તિ પટેલ સામેનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવા બદલ કીર્તિ સામે ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કીર્તિએ પણ સોશિયલ મીડિયા પર ‘ભગવા પાછળના સત્ય’ ખુલ્લા પાડવાની ચીમકી આપી હતી.

મૌન સેવતા ઈન્દ્રભારતી બાપુ
આ તમામ ગંભીર આક્ષેપો અને વાયરલ પત્રિકા મામલે ઈન્દ્રભારતી બાપુએ હાલ મૌન સેવ્યું છે. તેમના તરફથી આ મામલે હજુ સુધી કોઈ ખુલાસા કે વળતો પ્રહાર કરવામાં આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular