Tuesday, May 26, 2026
HomeGujaratમોડાસામાં 'ફટાકડા ફોડતા' બુલેટ રાજાઓનો ફિયાસ્કો: પોલીસની લાલ આંખ, બાઈકર્સ સામે કાયદાનો...

મોડાસામાં ‘ફટાકડા ફોડતા’ બુલેટ રાજાઓનો ફિયાસ્કો: પોલીસની લાલ આંખ, બાઈકર્સ સામે કાયદાનો કોરડો વીંઝાયો!

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.મોડાસા): અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં હવે ‘બુલેટ રાજા’ બનીને ફરતા અને કાન ફાડી નાખે તેવા અવાજો કરતા શખ્સોની ખેર નથી. શહેરમાં મોડીફાઈડ સાયલેન્સર લગાવીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા આવારા તત્વો સામે મોડાસા ટાઉન પોલીસે સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં નવજીવન ન્યૂઝમાં અહેવાલો ચમક્યા બાદ કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલી પોલીસે એક્શન મોડમાં આવીને 8 જેટલા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે.

ઘટના શું હતી?
બે દિવસ પહેલા શહેરના સર્કિટ હાઉસ પાસે આવેલા એક ગ્રાઉન્ડમાં નજીકની શાળાનો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ બાદ ઉત્સાહમાં આવેલા વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાના બુલેટના સાયલેન્સરમાંથી જાહેરમાં ‘ફટાકડા’ ફોડવાનું શરૂ કર્યું હતું. આ અવાજ એટલો ભયાનક હતો કે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ સુધી તેની ગુંજ સંભળાઈ હતી. આખરે ટાઉન પી.આઈ. ડી.બી. વાળાના નેતૃત્વમાં એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી આવા ઘોંઘાટિયા વાહનચાલકોને પાઠ ભણાવવામાં આવ્યો હતો.

- Advertisement -

સળગતો સવાલ: વેચનાર સામે કેમ ચૂપકીદી?
પોલીસની કામગીરી સારી છે, પણ એક યક્ષ પ્રશ્ન એ થાય છે કે માત્ર વાપરનારને જ દંડ કેમ? આખરે આ ગેરકાયદેસર મોડીફાઈડ સાયલેન્સર બજારમાં ખુલ્લેઆમ વેચાય છે, ત્યારે જ લોકો તેને ખરીદીને લગાવે છે ને? જો મૂળમાંથી જ સમસ્યા ડામવી હોય તો વેચાણ કરતા દુકાનદારો સામે તપાસ કેમ નથી થતી? પોલીસને મૂળ સુધી પહોંચવામાં રસ નથી કે પછી માત્ર ઉપરછલ્લી કામગીરી બતાવવી છે?

‘માર્ગ સલામતી માસ’ માત્ર કાગળ પર?
જાન્યુઆરી મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા ‘માર્ગ સલામતી માસ’ની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓને વાહન ન લાવવા અંગેના પોસ્ટરો અને બેનરો લાગ્યા હતા. પરંતુ ફેબ્રુઆરી શરૂ થતાની સાથે જ જાણે નિયમોનું બાષ્પીભવન થઈ ગયું હોય તેવું લાગે છે. શું આ ઝુંબેશ માત્ર એક મહિના પૂરતી જ મર્યાદિત હતી?

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં, અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું વર્તન કરી રહ્યું છે. શાળાઓ બહાર લાગેલા નિયમોના પાટિયા ઉતરી ગયા છે કે શું? શું ટ્રાફિક અને વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી માત્ર પોલીસ અને કલેક્ટરની જ છે? શિક્ષણ વિભાગ (DEO કચેરી) પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દે તે કેટલું યોગ્ય? તેવા સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular