કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): વસ્તીને લઈને વિશ્વભરમાં અલગ-અલગ પ્રશ્નો છે. ભારતીય ઉપમહાદ્વીપમાં મોટા ભાગના દેશોમાં વધુ વસ્તીના કારણે વિકટ પ્રશ્નો ઊભા થયા છે, તો બીજી તરફ યુરોપના દેશો ઓછા જન્મદરનો સામનો કરી રહ્યા છે. બધા દેશો પોતપોતાની રીતે આ બાબતનું સમાધાન શોધે છે. આપણા દેશમાં વધુ વસ્તીને નિયંત્રિત કરવા માટે પરિવાર નિયોજન નીતિ અમલમાં લાવવામાં આવી હતી. તેથી જ દેશમાં ગર્ભનિરોધકનો ઉપયોગ 1970ના અરસામાં 13 ટકા મહિલાઓ કરતી હતી; જે 2010 સુધીમાં 48 ટકા મહિલાઓ કરવા લાગી હતી. એટલું જ નહીં, ભારતમાં પ્રજનન દર [બાળકોને જન્મ આપી શકે એવી દર 1,000 સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવંત જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યા] 1966માં 5.7 હતો; જે ઘટીને 2010 આવતાં સુધીમાં 2.4 સુધી પહોંચ્યો છે. આપણા દેશમાં વસ્તીને નિયંત્રિત કરવા માટે ‘ટુ-ચાઇલ્ડ પૉલિસી’ અમલમાં મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારત જેમ વધુ વસ્તીની સમસ્યાથી ઘેરાયેલું છે, તેમ ચીનમાં પણ વધુ વસ્તીને નિયંત્રિત કરવાના સફળ પ્રયાસ થયા છે. ચીનમાં વસ્તીને નિયંત્રિત કરવાના પ્રયાસોમાં સખતાઈ હતી અને તેથી ચીનમાં તેનાં પરિણામો વધુ દેખાયાં. આપણા દેશની જેમ 1970ના અરસામાં ચીનના સર્વોચ્ચ રાજકીય આગેવાનોએ વસ્તીને લઈને સ્થિતિ ગંભીર થશે – તેવી ચેતવણી આપતાં કહ્યું હતું કે – જે કોઈ ‘વન-ચાઇલ્ડ પૉલિસી’ને વળગી રહેશે, તેમને આર્થિક લાભ સુધ્ધાં આપવામાં આવશે. ચીનમાં આ નીતિ એટલી કડકાઈથી લાગુ કરવામાં આવી કે 1982 આવતાં સુધીમાં તો નેવું ટકા જેટલાં શહેરી પરિવારો એક જ બાળકની નીતિને સ્વીકારી ચૂક્યા હતા – તેઓ એક જ બાળક ધરાવતા હતા. વસ્તીને નિયંત્રિત કરવાની ચીનની નીતિ આ રીતે આગળ વધતી રહી અને હવે જાણે આ નીતિમાં યૂ-ટર્ન લેવાનો થયો હોય એ રીતે ચીનમાં વધુ બાળકો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવું કેમ થયું – તેનાં કારણો અનેક છે અને તેની ચર્ચા હાલમાં વિશ્વભરનાં માધ્યમોમાં થઈ રહી છે.

ચીન અત્યારે પોતાની વસ્તી વધે તે માટે પ્રયત્નશીલ છે. આવું થવાનું કારણ ચીનમાં વધુ ઉંમરના લોકોની વધતી વસ્તી અને કાર્યક્ષમ લોકોની ઘટતી સંખ્યા છે. આ માટે ચીનની સરકાર લોભામણી જાહેરાતો કરી રહી છે. હાલમાં તો ચીનની સરકાર ત્રણ વર્ષથી નીચેનાં બાળકો માટે ચીનના ચલણ યુઆનમાં દર વર્ષે 3000 આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ચીનની સરકારે પ્રી-સ્કૂલ એજ્યુકેશનને દેશભરમાં વિનામૂલ્યે કરી દીધું છે. આ ઉપરાંત પણ હાઉસિંગ સબસિડી અને અન્ય લાભોની જાહેરાત કરવામાં આવી છે. ચીન સરકાર જન્મદર વધે તે માટે બનતા બધા પ્રયાસ કરવા માંગે છે.
દુનિયાભરમાં જે રીતે બજારનું આધિપત્ય જામ્યું છે ત્યારથી શહેરી જીવન મોંઘું બની રહ્યું છે અને આની એક અસર જન્મદર પર પણ થઈ રહી છે. ચીનમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે મહિલાઓ ઓછાં બાળકો ઇચ્છે છે. એટલું જ નહીં, યુવાનો લગ્ન કરવા માંગતા નથી. આ કારણે ચીનની વસ્તી છેલ્લાં ત્રણ વર્ષથી એ પ્રમાણમાં વધી રહી નથી – જે રીતે સરકાર ઇચ્છે છે. આની અસર ચીનના ઉત્પાદન પર થઈ રહી છે અને ચીનને એવી ભીતિ છે કે જે વસ્તીના જોરે તેમણે દુનિયાનાં બજારો સર કર્યાં, તેના પર તેમનું આધિપત્ય તૂટી ન જાય. ચીનની ઘટતી જનસંખ્યાનો પ્રશ્ન વિકટ બનતાં ઘણી જગ્યાએ ચીનમાં પ્રાંતોની સ્થાનિક સરકારોએ પણ પોતપોતાની રીતે પ્રયાસ કરવા માંડ્યા છે. જેમ કે, ઘણાં રાજ્યોમાં બીજા અને ત્રીજા બાળક માટે વન-ટાઇમ પેમેન્ટ અને મહિનાનું ભથ્થું આપવાનું ઠરાવ્યું છે. હોહ્હોટ નામના પ્રાંતે તો આશ્ચર્ય થાય તેવી નીતિ અમલમાં મૂકી છે. માર્ચ – 2025થી અહીંની સ્થાનિક સરકારે બીજા અને ત્રીજા બાળક માટે તત્કાળ એક લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ ઘડી કાઢ્યો છે. ઉપરાંત આ રકમ તેમને દસ વર્ષ સુધી દર વર્ષે મળતી રહે તેવું પણ સરકાર વિચારી રહી છે. આવી લોભામણી જાહેરાતોથી કેટલાંક પ્રાંતોમાં આ બાબતે ચિત્ર થોડું બદલાઈ રહ્યું છે, તેમ છતાં ચીનની સરકાર ઇચ્છે છે તે પ્રમાણે હજુ પરિવર્તન આવ્યું નથી. સરકારની આટલી લોભામણી જાહેરાતો છતાં ચીનમાં જન્મદર ન વધવાનું એક મહત્ત્વનું કારણ ચીનમાં બાળઉછેરનો ખર્ચ છે. બેઇજિંગ સ્થિત ‘યુવા પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના 2024ના એક સંશોધન મુજબ ચીનમાં બાળઉછેર જાપાન અને અમેરિકા કરતાં પણ મોંઘો છે. ચીનમાં સરેરાશ એક બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીનો ખર્ચ સાડા પાંચ લાખ યુઆન જેટલો આવે છે. ચીનમાં સરેરાશ વ્યક્તિની આવક કરતાં આ ખર્ચ સાત ગણો વધારે છે.

ચીનમાં જે હદે શહેરીકરણ થયું છે – તે જોતાં યુવાનો હવે લગ્ન કરવા માટે ઉત્સુક દેખાતા નથી. ઘણા લગ્ન કરે છે, પણ તેઓ બાળક માટે તૈયાર નથી. એ રીતે ચીન સરકારની જન્મદર વધારવાની નીતિ હાલ તો નિષ્ફળ લાગી રહી છે. એક સર્વે પ્રમાણે તો ચીનની સરકાર અત્યારે બાળકોના જન્મના અવેજમાં માતા-પિતાને જે રકમ આપી રહી છે, તેનાથી ચાર ગણી રકમ મળે તો પણ માતા-પિતા બીજું બાળક લાવવા તૈયાર નથી. ચીનની સરકાર દેશનો જન્મદર વધારવા માટે બધું જ કરી છૂટવા તૈયાર છે, તેમ છતાં તેનું પરિણામ નહીં મળવાનું એક કારણ અગાઉ વસ્તી નિયંત્રણ માટેની સખતાઈ છે, જેના કારણે ચીનનું સામાજિક માળખું બદલાઈ ચૂક્યું છે. હવે સરકાર જે કરવા માંગે છે તે માટે લોકો તૈયાર નથી. ચીનની જેમ છેલ્લા એક દાયકાથી દક્ષિણ કોરિયા પણ જન્મદર વધારવા માટે અનેક પ્રોત્સાહનો આપી રહ્યું છે, પરંતુ હજુય તેનું પરિણામ મળ્યું નથી. એક વખત ખોરવાઈ ગયેલું સામાજિક માળખું ઝડપથી સુધરતું નથી.
જોકે ચીનની સરકારે હજુ પ્રયાસ છોડ્યા નથી. હવે શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચ પર કાપ મુકાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. સંભવતઃ તેનાથી ચીનમાં બાળઉછેરનો ખર્ચ ઘટે. ચીનની સરકારને વસ્તીનું સંતુલન ખોરવાયું તેનો અંદાજ એક દાયકા પૂર્વે આવી ચૂક્યો હતો અને તે વખતથી જ ‘વન-ચાઇલ્ડ પૉલિસી’ તો બંધ કરી દેવામાં આવી હતી. ચીનની નીતિ બદલાઈ રહી છે તે અંગે ખ્યાતનામ અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં મેઇ ફોંગ નામની રિપોર્ટરે આ રીતે લખ્યું છે: ‘ચીન આ કરી રહ્યું છે તેનું કારણ તેમના દેશમાં પુરુષોનું પ્રમાણ વધ્યું છે અને જે છે તેમાં પણ વૃદ્ધોની સંખ્યા વધી છે. ઉપરાંત, યુવાનોની સંખ્યા ઘટી છે. અને જો હવે જન્મદર વધારવાની નીતિ સફળ નહીં થાય તો ચીનને કાર્યક્ષમ લોકોની ઘટ પડવાની છે.’ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ 2030 સુધીમાં ચીનમાં અંદાજે સાડા છ કરોડ લોકો વૃદ્ધત્વના કારણે કાર્યક્ષમ રહેશે નહીં. એટલું જ નહીં, એ સમય સુધીમાં વધુ ઉંમર ધરાવનારા લોકોની સંખ્યા પણ વધશે.

વિશ્વમાં ચીન આર્થિક રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બાળકોની નીતિ સાવ બદલી નાખી છે. પરંતુ ‘વન-ચાઇલ્ડ પૉલિસી’થી લોકોને અને વિશેષ કરીને મહિલાઓને જે સારા અનુભવ થયા, તેની પણ છાપ ચીનના સમાજમાં વ્યાપક છે. જેમ કે, વન-ચાઇલ્ડ પૉલિસીથી મહિલાઓ આર્થિક રીતે વધુ પગભર થઈ. તેમને રોજગારીની તકો વધુ મળી – તેવું અભ્યાસમાં ફલિત થયું છે. ઉપરાંત, આ દરમિયાન મહિલાઓ પોતાના શોખ કેળવવામાં પણ વધુ સમય ગાળવા લાગી હતી. જોકે, મહિલાઓના વ્યક્તિગત લાભ અને સ્વતંત્રતા સામે ચીનની સરકાર હાલમાં દેશના આર્થિક પાસાંને વધુ મહત્ત્વ આપીને નવી નીતિ ઘડી રહી છે. ચીનનો કિસ્સો હંમેશાં આવી બાબતોમાં અલગ તારવીને જોવો જોઈએ. અહીંયા વન-ચાઇલ્ડ પૉલિસીથી મહિલાઓનો અનુભવ ગમે તેટલો સારો હોય, પરંતુ અત્યારે સરકારને એવું લાગી રહ્યું છે કે આ નીતિ દેશના અર્થતંત્રને ખોરવશે તો ચીનના રાજકીય આગેવાનો જન્મદર વધારવાની વધુ સખત નીતિ જાહેર કરશે તો તેમાં કોઈને આશ્ચર્ય થશે નહીં.








