કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ‘વડા પ્રધાનનાં નિવાસના એક તનાવભર્યા ખંડમાં બે ટેલિપ્રિન્ટર પર શબ્દો ઉતરી રહ્યા હતા. સવારની આળસ મરડવાની ક્ષણોમાં ‘પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા’[પીટીઆઈ] અને યુનિટેક ન્યૂઝ ઓફ ઇન્ડિયા[યુએનઆઈ]ની આ રાતની કૉપી હતી. જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું હતું. સામાન્ય રીતે આ મશીન પર કોઈનું ધ્યાન જતું નથી, વિશેષ કરીને સવારમાં તો નહીં જ. પંરતુ 12 જૂન 1975ના દિવસે શ્રીમતી ઇંદિરા ગાંધીનાં સૌથી વરિષ્ઠ સચિવ નૈવુલણે કૃષ્ણ ઐય્યર શેષન ગભરાટમાં એકથી બીજા મશીન તરફ દોડી રહ્યા હતા. એ ખંડ ભયાવહ રીતે શાંત લાગી રહ્યો હતો. એક સમાચારની તે વખતે રાહ જોવાઈ રહી હતી. આ એ દિવસ હતો જ્યારે ન્યાયાધિશ જસ્ટીસ જગમોહનલાલ સિન્હા સમક્ષ એક અરજી પર પોતાનો ચૂકાદો આપવાના હતા. 1971ના લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનની ચૂંટણીના વિરોધમાં એક અન્ય ઉમેદવાર રાજનારાયણ દ્વારા દાખલ આ અરજી કરવામાં આવી હતી. સવારના દસ વાગવામાં હતા. થોડા જ ક્ષણો પહેલા દિલ્હીથી અલ્લાહાબાદ ફોન કરવામાં આવ્યો હતો – ત્યારે એવી માહિતી મળી કે ન્યાયાધિશ સિન્હા હજુ ઘરેથી નીકળ્યા નથી.’ આ વર્ણન કરનારા પત્રકાર કુલદીપ નૈયર છે અને તેમના દ્વારા લિખિત પુસ્તક : ‘ઇમરજન્સી કી ઇનસાઇડ સ્ટોરી’ આ ફકરો અહીં ટાંક્યો છે. ઇમરજન્સી એટલે કે કટોકટીના પચાસ વર્ષ પૂરા થયા છે અને કટોકટીના કાળની હાલમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. દેશના કાળા અધ્યાય સમાન આ ઘટનાનો વર્તમાન સરકાર જોરશોરથી વિરોધ દર્શાવવા કાર્યક્રમો પણ કરી રહી છે. પણ તે વખતે ખરેખર શું બન્યું હતું તે માટે કુલદીપ નૈયરનું પુસ્તક આ એક આધારભૂત દસ્તાવેજ માનવામાં આવે છે.

આગળ કુલદીપ નૈયર લખે છે : ‘આ સિન્હા પણ વિચિત્ર વ્યક્તિ હતા – સચિવ શેષનના મસ્તિષ્કમાં આ વાત ચાલી રહી હતી. દરેક વ્યક્તિની એક કિંમત હોય છે, પરંતુ સિન્હા તેમાં આવતા નહોતા. તેમને લાલચ આપી શકાય તેમ નહોતી, ન તો તેમને ધમકાવી શકાતા હતા. ઇંદિરા ગાંધીના નજીક કહેવાતા ઉત્તર પ્રદેશના એક સાંસદ અલ્લાહાબાદ ગયા હતા અને તેમણે સહજ રીતે ન્યાયાધિશ સિન્હાને પૂછી પણ લીધું હતું કે તેઓ પાંચ લાખ રૂપિયામા માની જશે? સિન્હાએ તેનો કોઈ ઉત્તર વાળ્યો નહોતો. ત્યાર બાદ તેમની જ બેંચના એક અન્ય સાથીએ સિન્હાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ બનાવવા અંગે લાલચ આપી હતી. પરંતુ સિન્હાએ તેમના સાથીની વાતને ધ્યાને નહોતી લીધી. ચૂકાદો આપવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા હતા. તત્કાલિન ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રેમ પ્રકાશ નૈયરે દેહરાદૂનમાં ઉત્તર પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની મુલાકાત લીધી હતી અને તેમને કહ્યું હતું કે શક્ય હોય તો ચૂકાદો ટાળી દેવામાં આવે. કમસે કમ વડાં પ્રધાન વિદેશ પ્રવાસ જઈ આવે ત્યાં સુધી તો ટાળવામાં આવે. ચીફ જસ્ટીસની આ વિનંતી સિન્હા સુધી પહોંચાડવામાં આવી. ન્યાયાધીશ સિન્હા એટલા ગુસ્સે ભરાયા કે તેમણે કોર્ટના રજિસ્ટ્રારને ફોન કરીને કહ્યું કે એ જાહેર કરી દો કે 12 જૂનના રોજ ચૂકાદો સંભળાવવામાં આવશે. ચૂકાદો શું આવશે તેની કોઈને જ ખબર નહોતી. એવું લાગી રહ્યું હતું કે ન્યાયાધીશ સિન્હા અને તેમના સ્ટેનોગ્રાફરને જ ખ્યાલ હતો કે ચૂકાદો શું આવશે. ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ કશોય ખ્યાલ નહોતો. ઇન્ટેલિન્જસ બ્યૂરોના કેટલાંક અધિકારીઓએ સ્ટેનોગ્રાફર પાસેથી તે રહસ્ય જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ સ્ટેનોગ્રાફર પણ ટસના મસ ન થયા. તેમની ધમકીઓની કોઈ અસર ન થઈ. સ્ટેનોગ્રાફર 11 જૂનના રાતરે જ રહસ્યમય રીતે છુપાઈ ગયા હતા. ન્યાયાધીશ સિન્હા ધાર્મિક પ્રવૃત્તિના છે તેમ જાણીને ઇન્ટેલિનજન્સ બ્યૂરોએ તેમના ઘરની બહાર એક સાધુને પણ મોકલ્યો હતો. જોકે તે યુક્તિ પણ કશુંય કામ નહોતી આવી. સિન્હાએ ચૂકાદો માત્ર ને માત્ર પોતાના સુધી જ સીમિત રાખ્યો હતો. આ કેસ ચાલ્યો તેની સુનાવણી દરમિયાન પણ સિન્હા કયા પક્ષ તરફ છે તે જાણવું તેમના ચહેરા પરથી ખૂબ મુશ્કેલ હતું. તેઓ એક પક્ષને બે પ્રશ્નો કરતા તો બીજા પક્ષ તરફ પણ પોતાનું વલણ એવું જ રાખતા હતા. આ સુનાવણી ચાર વર્ષ સુધી ચાલી હતી. 23 માર્ચ, 1975ના રોજ જ્યારે સુનાવણી પૂર્ણ થઈ ત્યાર બાદ ન તો તેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા, ન તો ફોન પર કોઈના પ્રશ્નના ઉત્તર આપ્યા.’ કટોકટી કાળમાં જે કંઈ થયું તેની કેટલીક ઘટનાઓ પ્રચલિત છે. ઇંદિરા ગાંધીએ આ કેસનો ચૂકાદો આવ્યા પછી કટોકટી લાદી હતી અને તેમાં વિરોધ પક્ષના નેતાઓને જેલભેગા કર્યા હતા. મીડિયા પર સેન્સરશીપ લાદી હતી અને સાથે સાથે સંજય ગાંધીને છૂટો દોર આપ્યો હતો. પરંતુ આ બધી શરૂઆત થઈ તે માટે તત્કાલીન કેન્દ્ર સરકાર સામે આવેલા કેટલાંક સુપ્રીમ કોર્ટના ચૂકાદા હતા. તેમાં એક હતો ગોલકનાથ કેસ, બીજો કેશવાનંદ ભારતી કેસ. તે પછી થયેલી રેલવે કર્મચારીઓની હડતાળ અને ગુજરાતનું નવનિર્માણ આંદોલન અને બિહારમાં વિદ્યાર્થીઓનો વિરોધ. આ તમામ ઘટનાક્રમ પછી કટોકટી લાદવામાં આવી હતી. પરંતુ કટોકટી લાદવામાં છેલ્લો ઘા થયો તે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રાજનારાયણ દ્વારા થયેલી અરજી હતી, જેની સુનાવણી ન્યાયાધીશ સિન્હા પાસે આવી હતી. આ અરજીમાં ઇંદિરા ગાંધી પર આરોપ હતો કે તેમણે ચૂંટણીમાં ઘાલમેલ કરી છે. આ કેસમાં તેમણે પોતે રૂબરૂ કોર્ટમાં હાજર પણ થવું પડ્યું હતું.

પત્રકાર કુલદીપ નૈયરની પણ અનેક પત્રકારોની જેમ ધરપકડ થઈ હતી અને તેઓ સાત અઠવાડિયા સુધી જેલમાં રહ્યા હતા. જોકે કટોકટીના અંત પછી તેઓ અનેક રાજકીય આગેવાન, અધિકારીઓ અને પત્રકારોને સુધ્ધા મળ્યા. આ તમામ માહિતીને એકઠી કરીને કુલદીપ નૈયરે ‘ઇમરજન્સી કી ઇનસાઇડ સ્ટોરી’ લખી છે. કુલદીપ નૈયરે આ તમામ સાથે સંવાદ કર્યો છે પણ તે માહિતી કોની પાસેથી મળી છે – તેની વિગત લખી નથી, તેવું તે પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વીકારે છે. કુલદીપ નૈયર કટોકટીની તમામ બાબતો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવાનો દાવો કરતા નથી. તેમનું માનવું છે કે કટોકટી દરમિયાન અનેક ઘટનાઓ લાંબી હતી, કેટલીક ઘટનાઓની પુષ્ટિ થઈ શકે એમ નહોતી. જોકે તેમ છતાં પુસ્તકરૂપે લખાયેલો આ દસ્તાવેજ અગત્યનો છે.

આગળ તેઓ અલ્લાહાબાદ કોર્ટના ચૂકાદાના દિવસની ઘટનાક્રમ ટાંકતા લખે છે : ‘વડાં પ્રધાન નિવાસમાં ટેલિપ્રિન્ટરમાંથી તમામ તરફથી ન્યૂઝ ઊતરી રહ્યા હતા. આ દરમિયાન શેષન ફરી પોતાના કાંડા ઘડિયાળ પર નજર કરી. 10 વાગવામાં 5 મિનિટ બાકી હતી. દુબળા-પાતળા 55 વર્ષીય ન્યાયાધીશ ગાડીમાંથી ઊતરીને સીધા કોર્ટમાં પહોંચ્યા. ખંડ ક્રમાંક 24માં જેવા તેઓ પોતાની ખુરશી પર બેઠા, એ જ ક્ષણે કોર્ટ સહાયકે ખીચોખીચ ભરાયેલી કોર્ટમાં ઊંચા અવાજે કહ્યું કે, ‘મહાનુભાવો ધ્યાનથી સાંભળો, ન્યાયાધિશ રાજ નારાયણની ચૂંટણીની અરજી પર ચૂકાદો સંભળાવશે – તે વખતે કોઈએ તાળીઓ પાડવાની નથી.’ પોતાના 258 પાનાનાં ચૂકાદા સાથે ઉપસ્થિત થયેલા ન્યાયાધીશ સિન્હાએ કહ્યું કે હું કેસથી જોડાયેલા વિવિધ પાસાં પર માત્ર મારા નિષ્કર્ષ જ વાંચીશ. પછી તેમણે કહ્યું ‘અરજી સ્વીકારાય છે.’ એક ક્ષણ માટે કોર્ટ રૂમમાં સપાટો છવાઈ ગયો અને તે પછી હર્ષધ્વનિથી કોર્ટ રૂમ ગુંજી ઊઠ્યો. પત્રકારો ટેલિફોન તરફ ભાગ્યા અને ઇન્ટેલિજન્સના માણસો પોતાના ઓફિસો તરફ દોડ્યા. સવારે દસ વાગીને બે મિનિટે ‘યૂએનઆઈ’ના મશીન પર સંદેશો આવ્યો કે ઇંદિરા ગાંધીને પદ પરથી હટાવવામાં આવે છે. શેષને તે પાનું ફાડ્યું અને તે લઈને તેઓ વડાં પ્રધાન બેઠા હતા તે ખંડ તરફ દોડ્યા. ખંડની બહાર તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ, જેઓ તે વખતે ઇંડિયન એરલાઇન્સમાં પાયલોટ હતા. તેમણે એ સંદેશો રાજીવને પણ આપ્યો. આ ન્યૂઝ સાંભળીને ઇંદિરા ગાંધીના હાવભાવ વધુ કંઈ બદલાયા નહોતા. ખરેખર તો તેમના ચહેરા પર શાંતિ હતી, કે આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો. તેમના પર થયેલા આરોપ સાબિત થયા હતા – તેમાં ચૂંટણી પ્રચારમાં સરકારી અધિકારીઓનો અને સરકારી સગવડોનો દુરોપયોગનો મુદ્દો હતો.
કટોકટી લદાઈ તે માટે અલ્લાહાબાદ કોર્ટમાં ‘સ્ટેટ ઑફ ઉત્તર પ્રદેશ વિ. રાજ નારાયણ’નો કેસનો ચૂકાદો ખૂબ અગત્યનો હતો. તે વખતે ઇંદિરા ગાંધીમાં અનુભવાતી અસુરક્ષિતતા તેમને છેક એ પગલાં સુધી લઈ ગઈ – જે દેશના લોકશાહી વ્યવસ્થાના એક કાળા ધબ્બા સમાન બની રહી. તે વખતે કટોકટીના તરફેણમાં અનેક લોકો હતા, પરંતુ આજે તેની તરફેણ કરનારા કોઈ નથી. અને હવે તો કૉંગ્રેસના આગેવાનો પણ કટોકટીને પોતાના પક્ષની ભૂલ તરીકે સ્વીકારે છે. આ કાળા અધ્યાયની શરૂઆત આ રીતે થઈ હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796