નવજીવન ન્યૂઝ, અમદાવાદ: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરે પોતાની ચા ની દુકાનનું બોર્ડ દેખાતું ન હોવાથી આગળ બનેલા જાહેર શૌચાલય જ તોડી નાખ્યાનો મુદ્દો ભારે ચર્ચામાં છે.
વાત જાણે એમ છે કે શાસ્ત્રીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં આગળ આવેલી શ્રીજી ચાયવાલા નામની દુકાન ભાજપ કાર્યકર પૂજન પારેખ ચલાવે છે. આ દુકાનનું બોર્ડ આગળ જાહેર શૌચાલય હોવાથી દેખાતું ન હતું. જેથી આ ભાજપ કાર્યકર પૂજન પારેખે જાહેર શૌચાલય જ તોડી નાખ્યું. આ સમગ્ર મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહોંચ્યો અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રજૂઆતો થઇ. જેથી કોર્પોરેશને પૂજન પારેખને 50 હજાર રુપિયાનો દંડ કર્યો. તેમજ નવું શૌચાલય બનાવી આપવાની લેખિત બાહેંધરી પણ આપી.
પરંતુ હવે સૌથી મોટો સવાલ તો એ ઉભો થયો છે કે આ શૌચાલય કેટલા સમયગાળામાં નવું બનશે? અને ક્યાં સુધીમાં બનશે?








