નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરોમાં ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આવી કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા સુરત મહાનગર પાલિકાએ ઢોર પકડવાના ટ્રેક્ટર મોકલીને લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું છે. પાલિકાના આ અપમાનજનક વલણને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અહીં 10 હજાર કરોડના જંગી બજેટનો પણ મીડિયા રિપોર્ટમાં સંર્ભ લેવામાં આવ્યો છે અને કહેવાયું છે કે આટલું જંગી બજેટ છતાં પણ તંત્રને આવી રીતે લોકોની મદદ કરવાની થઈ છે. ઉલ્લેખનીય છે કે જો આવું છે તો તંત્રને તે જ પાણીમાં પોતાના મોનશુન પ્લાનીંગના કાગળો પધરાવી દેવા જોઈએ.
ચારેબાજુ પાણી, જનજીવન ઠપ્પ
ભારે વરસાદને કારણે સુરતની ખાડીઓ ગાંડીતૂર બનતા પુણા, ગોડાદરા, લિંબાયત, સરથાણા, પરવટ ગામ અને વાલક જેવા અનેક વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે. સેંકડો સોસાયટીઓ અને માર્કેટ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોની હાલત કફોડી બની છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે અને લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
માનવીય સંવેદનાનો અભાવ, મદદના નામે મજાક
રિપોર્ટ્સ કહે છે કે, પૂરના પાણી વચ્ચે પણ નોકરી-ધંધા પર જવા મજબૂર લોકોને બહાર કાઢવા માટે પાલિકાએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. પરંતુ આ ટ્રેક્ટર એ જ હતા જેનો ઉપયોગ શહેરના રખડતા ઢોરને પકડવા માટે થાય છે. લોકોને પશુઓની જેમ ઢોરગાડીમાં ભરીને લઈ જવાતા જોઈને સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું 10,000 કરોડનું બજેટ ધરાવતી પાલિકા માટે નાગરિકોની કિંમત આટલી જ છે?
શાસકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
આ ઘટના બાદ લોકોનો રોષ ભાજપ શાસકો પર ઉતર્યો છે. ગુજરાતી મીડિયા જીએસટીવીને લોકોએ કહ્યું કે, એક રોષે ભરાયેલા નાગરિકે કટાક્ષ કરતા કહ્યું, “અમને તો અમારા જ શાસકોએ લૂંટ્યા, પારકાઓમાં ક્યાં દમ હતો.” લોકોનો સ્પષ્ટ આરોપ છે કે ખાડી સફાઈ, પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ લાઈનના નામે વર્ષોથી માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે, જેનું પરિણામ આજે સુરતની જનતા ભોગવી રહી છે.
સ્થાનિકોએ શાસકોને ખુલ્લી ચીમકી આપતા કહ્યું, “હવે તો સુધરી જાઓ. અત્યારે તો માત્ર એક ગોપાલ આવ્યો છે, જો આવા બીજા સાત-આઠ આવ્યા તો તમારા માટે રાજ કરવું મુશ્કેલ થઈ જશે.” લોકોએ પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.








