નવજીવન ન્યૂઝ.સુરતઃ Surat News :સુરતમાં હત્યાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. સુરતના સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી દેવાયાની ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે. એથી વધારે ચોંકાવનારા આક્ષેપ પરિવારજનોએ પણ કર્યા છે. પોલીસમાં હદ વિસ્તારને લઈને તેમને ધક્કા ખવડાવાયા અને તેના પર સમયસર કાર્યવાહી ના થઈ તેને લઈને તેઓ નારાજ છે. પોલીસે શું ખરેખર પરિવારને દોડાવ્યો અને ફરિયાદ લેવાથી લઈ તપાસમાં સમય લાગ્યો તે સહિતના આરોપો પોલીસ પર લાગ્યા છે. પરંતુ અહીં વાત એ પણ છે કે આ સમગ્ર બાબતોની વચ્ચે એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે, એક ભાઈએ પોતાનો વ્હાલો ભાઈ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે. પોલીસે આ મામલે હવે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં દૂબે સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરી તેમની ઘાતકી હત્યા કરવા મામલે ભારે ચકચાર મચી છે. પાંચ દિવસ પહેલા 16મીએ એજન્સીના માલિક ચંદ્રભાન દૂબે ઘરે ના આવ્યા અને તે જે રોજીંદી રિક્ષામાં સફર કરતા હતા તે રિક્ષાના ચાલકે કહ્યું કે તેઓ બીજી કારમાં બેસી ગયા હતા. પોલીસને રિક્ષા ચાલક પર શંકા હતી. જોકે તે મળી આવ્યો નથી. આ બાજુ પરિવાર પાસે 3 કરોડની ખંડણીની માગણી કરાઈ અને જેમા 10 લાખ એડવાન્સ માગવામાં આવ્યા હોવાનું પરિવાજનોએ કહ્યું છે. ચંદ્રભાન દૂબેના સ્વજનો કહે છે કે, ચંદ્રભાન દૂબેના જ ફોન પરથી અપહરણકારોએ તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો અને 3 કરોડ રૂપિયા માગ્યા હતા. જેમાં 10 લાખ એડવાન્સ આપવાના હતા. જોકે આ વાતને ચાર દિવસ બાદ પરિવારને ચંદ્રભાન દૂબેની લાશ મીઠીખાડીમાંથી બે ટુકડામાં મળી હતી. કોથળામાં ભરેલી લાશ રાશિદ નામનો શખ્સ નાખી ગયો હોવાનું પોલીસ તપાસમાં સીસીટીવી જોતા સામે આવ્યું હતું.
મૃતક ચંદ્રભાન દૂબેના ભત્રિજા નેહાલનું કહેવું છે કે, આ કેસ 6 કલાકમાં સોલ્વ થાય તેમ હતો પણ તેમાં પોલીસની ઢીલી નીતિને કારણે 5 દિવસ થઈ ગયા. પોલીસે 12 કલાકનો સમય તો હદ નક્કી કરવામાં બગાડ્યા. સાવ આવી ઢીલી નીતિ ના હોવી જોઈએ.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, ચંદ્રભાન દુબે પોતાની દૂબે સિક્યુરિટી સર્વિસ ચલાવે છે. તેઓ ગત 12 તારીખે પોતાના રેગ્યુલર રિક્ષા ચાલક રાશીદની રિક્ષામાં બેસી નીકળ્યા હતા. રાશીદે પરિવારને જાણકારી આપી કે તેઓ સી બી પટેલ સ્ટેડિયમ પાસેથી તેઓ એક સફેદ કારમાં બેસી જતા રહ્યા છે. પરિવારે તપાસ કરી અને કોઈ જાણકારી મળી નહીં તો પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અપહરણ કેસમાં તપાસ કરી તો આવી કોઈ કારમાં તે બેઠા હોવાનું જાણવા મળ્યું નહીં. પોલીસે સીસીટીવી પણ તપાસ્યા અને અન્ય તપાસ દરમિયાન જાણકારી મળી કે તેઓ ઓટોમાંથી ઉતર્યા જ ન્હોતા. રાશીદ અને અન્ય લોકો પણ શંકાના ઘેરામાં આવ્યા. તે મોટા બે કોથળા લઈને જતો પણ દેખાયો તો પોલીસે તેના સીસીટીવી તપાસ્યા તો તે નાળામાં નાખતો દેખાયો હતો. પોલીસે ત્યાં તપાસતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રાશીદ અને અન્ય શખ્સોની શું સંડોવણી છે તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાન દૂબેની ઉંમર 50થી 55 વર્ષની છે. પરિવારે તેમને ઓળખી કાઢ્યા છે. પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની વીધી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી ગુર્જરે એ પણ વાત કરી હતી કે, આ ઘટનામાં પરિવારજનોએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે તેથી તેમની લાગણીઓ છે હું માનું છું પણ પરિવાર મારી પાસે 12 વાગ્યે આવ્યો હતો અને તુરંત આ મામલે મિસિંગ દાખલ કરી કામગીરી શરુ કરી દેવાઈ હતી. જે પોલીસ સ્ટેશનની હદમાં આ મામલો નહોતો ત્યાં મિસિંગ દાખલ કરીને કાર્યવાહી કરાઈ. બાદમાં આ મામલે મૃતદેહ મળતા તુરંત હત્યાની ફરિયાદ પણ દાખલ કરી દેવાઈ છે. પરિવારનો આક્ષેપ હોઈ શકે છે કે 12 કલાક સુધી કોઈ કાર્યવાહી ના થઈ પરંતુ આવું નથી મારી પાસે જાણકારી આવતા તુરંત કાર્યવાહી કરાઈ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








