Friday, September 11, 2026
HomeGujaratAhmedabadદેશભરમાં મેગા પ્રોજેક્ટ ઝડપથી નિર્માણ પામી રહ્યા છે….

દેશભરમાં મેગા પ્રોજેક્ટ ઝડપથી નિર્માણ પામી રહ્યા છે….

- Advertisement -

કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં ઝડપથી મસમોટાં માળખાગત સુવિધાઓ નિર્માણ પામી રહી છે, અને હાલમાં તેવાં એક પ્રોજેક્ટનું મુંબઈમાં અનાવરણ થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના સૌથી લાંબા દરિયાઈ બ્રિજનું ખુલ્લો મૂક્યો. આમ તે ‘મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક’ તરીકે ઓળખાય છે અને તેની લંબાઈ 21.8 કિલોમીટર છે. મુંબઈ અને નવી મુંબઈનું અંતર આ બ્રિજથી ખાસ્સું ઘટી જશે. છ લેનનો આ બ્રિજની પહોળાઈ 27 મીટર છે અને આ બ્રિજ રોજના 70,000 વાહનોની આવનજાવનની ક્ષમતા ધરાવે છે. દુનિયામાં દરિયા પર જે પણ મોટા બ્રિજ બન્યા છે, તેમાં આ બ્રિજનો ક્રમ 12મો આવે છે. આ બધી જ વિગત તપાસીએ તો ખ્યાલ આવે કે દેશમાં કેટલાં મોટા સ્તર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. આ બ્રિજનો ખર્ચ 18,000 કરોડ આવ્યો છે અને પહેલીવહેલી વાર 2004માં તેનો પ્રસ્તાવ મૂકાયો હતો, ત્યારે રાજ્ય સરકારે તે પ્રોજેક્ટ આગળ વધવા દીધો નહોતો. તે પછી પણ તે અંગે અનેક વાર ચર્ચા થઈ. ફાઈનલી 2012માં તેને મંજૂરી આપવામાં આવી અને તેનું નિર્માણ કાર્ય શરૂ થયું. અનેક પડાવમાં આ કામ થનારું હતું તેથી તેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ લાંબી ચાલી અને આખરે તેમાં અલગ-અલગ પાંચ કંપનીઓને કામ સોંપવામાં આવ્યું. આ બ્રિજ નિર્માણમાં જાપાનની ‘આઈએઆઈ કોર્પોરેશન’ અને કોરિયાની ‘ડેવું ઇ એન્ડ સી’ નામની કંપની પણ સામેલ હતી. આપણા દેશમાં જ્યારે આવાં કોઈ મોટા પ્રોજેક્ટ થાય છે તેમાં સૌથી મોટો પડકાર જમીન અધિગ્રહણનો હોય છે. આ પ્રોજેક્ટમાં પણ એ પ્રશ્ન આવ્યો હતો. પ્રોજેક્ટ માટે 130 હેક્ટર જમીની આવશ્યકતા હતી, જેમાંથી 88 હેક્ટરની જમીન તો રાજ્ય સરકારના ‘સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ દ્વારા મળી હતી, તે સિવાયની જમીન ખાનગી હતી, તે માટે મસમોટી રકમ ચૂકવાઈ. આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત 1500 માછીમારોને સરેરાશ છ લાખ ચૂકવાયા. આમ ખૂબ મોટા સ્કેલ પર આ પ્રોજેક્ટ થયો અને તે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ બ્રિજને હવે ‘અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રકારના મોટા પ્રોજેક્ટ દેશમાં અગાઉ પણ થયા છે અને કેટલાંક તો દેશને આઝાદી મળી તે પછી તુરંત અમલમાં મૂકાયા હતા. પરંતુ હવે દેશમાં ખૂબ ઝડપથી મસમોટા પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. દુનિયાના નકશા પર ભારત ચમકી રહ્યું છે તે આ પ્રોજેક્ટથી અંદાજો લગાવી શકાય છે.

construction
construction

આ પ્રોજેક્ટ ઝડપભેર થઈ રહ્યા છે અને તે માટે કેન્દ્ર સરકારે આ પહેલને ‘પીએમગતિશક્તિ’ એવું નામ પણ આપ્યું છે. ‘પીએમગતિશક્તિ’ પહેલમાં દેશભરના 85 મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેની પાછળ અંદાજે સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચાવાના છે. આ પહેલમાં જે સાત પાસાં પર કામ કરવામાં આવશે, તેમાં રેલવે, માર્ગ, બંદર, જળ માર્ગ, એરપોર્ટ્સ, માસ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આવનારાં સમયમાં આ રીતે જે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે તેમાં ચારધામ રેલવે પણ છે. આ પ્રોજેક્ટ હેઠળ 327 કિલોમીટરને આવરી લેવામાં આવશે અને તેનો ખર્ચ 43,292 કરોડ અંદાજવામાં આવ્યો છે. આ પૂરા પ્રોજેક્ટનો મોટા ભાગનો હિસ્સો ઉત્તરાખંડનો પહાડી વિસ્તારનો છે. જેમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ જેવા સ્થળો સામેલ થશે. મહત્ત્વકાંક્ષી લાગતા આ પ્રોજેક્ટનું હજુ કાર્ય પ્રથમ ફેઝમાં છે, પણ તે ઝડપથી પૂર્ણ કરવા માટે સરકાર શક્ય એટલાં પ્રયાસ કરી રહી છે.

- Advertisement -
construction
construction

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે અદ્વિતિય કહી શકાય તેવાં પ્રોજેક્ટ ભારતમાં આટલાં ઝડપથી નિર્માણ થશે તેવું બે દાયકા પહેલાં કલ્પી શકાય એમ નહોતું. પરંતુ હવે જે રીતે ભારત દુનિયાનું માર્કેટ બન્યું છે, તેના કારણે જંગી મૂડી ભારતમાં આવી રહી છે અને આ પ્રોજેક્ટ ઝપાટાબંધ બની રહ્યા છે. ગત વર્ષે ચિનાબ નદી પર ખુલ્લો મૂકાયેલો ‘ડેક્ટ આર્ચ બ્રિજ’ તેનું ઉદાહરણ છે. આ બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં નિર્માણ પામ્યો છે અને તે જમ્મુ અને રાઇસી જિલ્લાને જોડે છે. આ બ્રિજની ખાસિયત એ છે કે તે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. ચિનાબ નદીના તળીએથી આ બ્રિજની ઊંચાઈ 359 મીટર થાય છે. આ પ્રોજેક્ટને મંજૂરી 2004માં આપી દેવામાં આવી હતી. આ બ્રિજનું અનાવરણ થઈ ચૂક્યું છે, પણ હજુય તેના પર ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. હિમાચલનો ‘ચિચામ બ્રિજ’ અને મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલો ‘રામઝુલા’ પણ એ રીતે વિશેષ પ્રયાસ માંગીને નિર્માણ પામ્યા છે.

construction
construction

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ કાર્યમાં ડિફેન્સને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને એટલે જ અરૂણાચલ પ્રદેશમાં ફ્રન્ટીઅર હાઇવે નિર્માણ કરવામાં આવી રહ્યો છે. આ હાઇવેની લંબાઈ 1748 કિલોમીટર છે અને તેમાં 27,000 કરોડ રૂપિયા ખર્ચાવાના છે. અરૂણાચલ પ્રદેશનો સરહદી વિસ્તાર ચીન સાથેનો વિવાદનો મુદ્દો રહ્યો છે. અહીંયા વર્ષોથી સરહદી વિસ્તારમાં કોઈ નિર્માણકાર્ય થયું નથી અને રક્ષાનીતિના ભાગરૂપે આ હાઇવે નિર્માણ કરવામાં આવી રહ્યો છે. આ પૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની અવધિ અત્યારે 2027નું વર્ષ દર્શાવવામાં આવી છે. દેશના મહદંશ રાજ્યો હવે આ રીતે ગતિથી પ્રોજેક્ટ હાથમાં લે છે અને તેને પૂર્ણ કરે છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં આ રીતે મસમોટા પ્રોજેક્ટ પર કાર્ય થતું જોવા મળશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પણ એ રીતે ખૂબ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અતિમોંઘો છે અને તેમાં ખર્ચનો અંદાજ એક લાખ દસ કરોડનો છે. આ પ્રોજેક્ટમાં પણ જમીન અધિગ્રહણના વિવાદનો મુદ્દો ચાલી રહ્યો છે. કેન્દ્ર-રાજ્ય સરકાર તે અંગે ઝડપથી કાર્ય કરી રહી છે અને તેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ તો પિલ્લર ઊભા કરીને તેના પર ટ્રેક માટેના બ્લોક્સ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ રેલવેથી અમદાવાદ પશ્ચિમ ભારતનું મહત્ત્વનું કેન્દ્ર બનશે અને તદ્ઉપરાંત પણ અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક માટેના હોસ્ટ અર્થે એક સ્પોર્ટ્સ એન્ક્લેવ નિર્માણ પામી રહ્યું છે. મલ્ટી સ્પોર્ટ્સ થઈ શકે તેવા આ એન્ક્લેવમાં તમામ સુવિધાઓ હશે, અને તેમાં ઓલિમ્પિકની તમામ સ્પોર્ટ્સ હોસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એ રીતે ગુજરાત સહિત દરિયાઈ કાંઠા વિસ્તારમાં નવા બંદરો બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સરકાર દ્વારા સૌથી વધુ બંદર આંધ્ર પ્રદેશમાં નિર્માણ પામશે, જ્યારે કેટલાંક બંદરો ખાનગી કંપનીઓને આપી દેવાયા છે. તેનું કાર્ય પણ ઝડપથી થઈ રહ્યું છે. દેશભરનો દરિયાઇ કાંઠા વિસ્તાર એકબીજા સાથે જોડાય તે માટે ‘સાગરમાલા’ નામનો પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે તો તેમાં અવિરત વીજળીનો સપ્લાય પણ જોઈશે અને તે માટે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય રિન્યૂઅબલ એનર્જી માટે સોલર પ્લાન્ટ પણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઊભા કરવામાં આવી રહ્યા છે.

construction
construction

વર્તમાન સરકાર ધાર્મિક સ્થળોને ડેવલપ કરવાની મુહિમ ઉપાડી છે અને તે અંતર્ગત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં તેમાંથી દેવભૂમિ દ્વારકા, અંબાજી, પ.બંગાળનું જગન્નાથનું મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર, કેદારનાથ, વારાણસીના મહદંશે મંદિર ડેવલપ કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. અયોધ્યામાં પણ એ રીતે ઇન્ફ્રાક્ચરની દૃષ્ટિએ કાયાપલટ કરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષમાં ધાર્મિક સ્થળોને ખૂબ ઝડપથી વિકસાવામાં આવ્યા છે. જોકે કમસનીબી એ છે કે માત્ર હિંદુ ધર્મના સ્થાનકો ઝડપથી વિકસી રહ્યા છે, અન્ય ધર્મના સ્થળો અને સ્થાપત્યોને ડેવલપ કરવામાં એટલી ઝડપ નથી.

- Advertisement -

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગતિથી દેશ આગળ વધી રહ્યો છે તેવી અનુભૂતિ સૌકોઈને થઈ રહી છે, પણ બધું જ નવું નિર્માણ કરવામાં આપણી ધરોહરની સુરક્ષા અનિવાર્ય રીતે થવી જોઈએ. ધરોહર એટલે માત્ર ધાર્મિક સ્થળો નહીં, બલકે આપણી કુદરતી સંપદા અને જીવાતી સંસ્કૃતિ, જેમાં મૂળવાસી લોકો પણ આવે છે. જો આ બધા પાસાંને નુકસાન થશે તો વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ નહીં સરે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular