કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અબુ ધાબીનું (Abu Dhabi) અલ-નહયાન રાજ પરિવાર આજકાલ ચર્ચામાં છે. ચર્ચા છે તેમની સંપત્તિની છે અને તેમની સંપત્તિનો આંકડો 25,38,667 કરોડને આંબી જાય છે. આ રાજ પરિવારનો મહેલ અમેરિકાના રક્ષા કેન્દ્ર પેન્ટાગોન કરતાં ત્રણ ગણા વિસ્તારમાં પ્રસરેલો છે. અલ-નહયાન (Al Nahyan) પરિવાર પાસે પોતાના આઠ જેટ વિમાન છે અને 700થી વધુ મોંઘી કારનો કાફલો તેઓ ધરાવે છે. આશ્ચર્ય થાય પણ ભારતના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અંબાણીની સંપત્તિને એકઠી કરીએ તે કરતાં પણ વધુ સંપત્તિ છે. આ દાવો ‘જીક્યૂ’ મેગેઝિને કર્યો છે અને આ દાવો ખોટો હોય એમ લાગતું નથી; કારણ કે વિશ્વના છ ટકા જેટલું ઓઇલ રિઝર્વની માલિકી આ પરિવાર જ ધરાવે છે. બિઝનેસમાં પણ પૂરા વિશ્વમાં આ પરિવાર પ્રસર્યો છે અને એટલે જ માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબમાં તેઓ હિસ્સો ધરાવે છે અને તે સિવાય જાણીતી આતંરાષ્ટ્રિય ગાયિકા રિહાન્નાના બ્યૂટી બ્રાન્ડ ફેન્ટી અને એલોન મસ્કના સ્પેસ એક્સ કાર્યક્રમમાં પણ તેમની ભાગીદારી છે. આ રાજ પરિવારની આગેવાની કરનારાં હાલમાં યુનાઇટેડ આરબ અમિરાતના પ્રેસિડન્ટ પણ છે અને તેમનું નામ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નહયાન છે. આ પરિવારમાં મોહમ્મદ બિન ઝાયેદના અલ-નહયાનના 18 ભાઈઓ અને 11 બહેનોનો સમાવેશ થાય છે. તેમના મસમોટા પરિવારોમાં અત્યારે 9 દિકરા-દિકરીઓ છે, 18 પૌત્ર-પૌત્રીઓ. માત્ર ઓઇલના કમાણીથી પણ તેઓ દુનિયામાં નંબર વન રહી શકે; પણ તેઓ નવા નવા બિઝનેસમાં રોકાણ કરે છે અને એટલે જ અરબી સંસ્કૃતિથી થોડું વેગળું લાગે પણ તેમણે ગાયિકા રહેન્નાના બ્યૂટી અને ફેશનની કંપનીમાં મસમોટું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં ટેક્નોલોજી કેવી રીતે દુનિયામાં હાવી થશે, તેવું વિચારીને પણ એલોન મસ્કની કંપની સાથે તેમનું જોડાણ છે.

ક્રૂડ ઓઇલથી મળતી સંપત્તિથી દુનિયાના સૌથી સંપત્તિવાન બનનારો આ પરિવારના સર્વેસર્વા મોહમ્મદ બિન ઝાયેદના અલ-નહયાન દ્વારા પ્રેસિડેન્સિઅલ પેલેસ બનાવ્યું. આ પેલેસનું નામ છે ‘કસર અલ વતન’. આ પેલેસ આબુ ધાબીમાં આવેલું છે અને તે ભવ્યતિભવ્ય નિર્માણ કરવા માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ મહેલનો ડોમ એરિયા 37 મીટર ડાયામીટર ધરાવે છે અને તેમાં સાડા ત્રણ લાખ ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા છે. આ ‘ડોમ ધ ગ્રેટ’ હોલમાં છે અને તદ્ઉપરાંત પેલેસના ઇસ્ટર્ન વિંગમાં ‘હાઉસ ઓફ નોલેજ’ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં 50,000 પુસ્તકોનો સંગ્રહ છે અને તે સિવાય યુએઈના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય ઇતિહાસના દસ્તાવેજો અહીં મૂકવામાં આવ્યા છે. વેસ્ટર્ન વિંગમાં દેશનું કેબિનેટ બેઠક થાય તે માટે તૈયાર કરાવાયું છે. આ પેલેસ નિહાળવા માટે મંજૂરી પણ આપવામાં આવે છે અને નેટ ઉપર તેની થોડી ઝલક જોઈ શકાય છે.

અલ-નહયાન રાજ પરિવાર માત્ર યુએઈમાં જ સંપત્તિ ધરાવતું નથી. બલકે તેમણે પેરિસમાં પણ મસમોટા મહેલ ધરાવે છે. ઇંગ્લેન્ડમાં તેમની અનેક સંપત્તિ છે. 2015માં તો અલ-નહયાન પરિવારની એટલી સંપત્તિ થઈ ચૂકી હતી કે, બ્રિટનના રાજ પરિવારથી તેઓ આગળ નીકળી જાય. જેમ ભારતમાં મુકેશ અંબાણીની ઝહોઝલાલી અવારનવાર આપણને મીડિયા દ્વારા જોવા મળે છે, તેમ અલ-નહયાન પરિવાર કેવી રીતે ખર્ચ કરે છે તેવું દુનિયાભરના મીડિયામાં દર્શાવાય છે. આ પરિવાર પાસે વિશ્વની સૌથી મોંઘી કહેવાય તેવી બોટ છે. જેમાં એક ‘ધ અઝામ’ અને બીજી ‘બ્લ્યુ સુપર યાક’નો પણ સમાવેશ થાય છે. યાહૂ ફાઈનાન્સ મુજબ આ બંને બોટની સરેરાશ કિંમત પાંચ હજાર કરોડની છે. ‘ધ અઝ્ઝામ’માં સો લોકોને સગવડ સાચવી શકે છે અને તેમાં ગોલ્ફ ટ્રેનિંગ રૂમ સુધ્ધા છે અને તે દુનિયાની સૌથી લાંબી કહી શકાય તેવી બોટ છે, જેની લંબાઈ 591 ફીટ છે.

અઢળક ખર્ચ કરવામાં માનતો આ રાજ પરિવારને કોઈ પહોંચે એવું નથી. આઠ પ્રાઇવેટ જેટ તેમની પાસે છે અને આ આઠેય જેટ સુવિધાની રીતે કોઈને તોલે આવે એવા નથી. જેમાં તો એક એરબસ એ-320-200 છે અને ત્રણ બોઇન્ગ પણ તેમની પાસે છે. રૂપિયામાં આ બધા જેટની કિંમત ચાર હજાર કરોડથી બે હજાર કરોડ સુધી પહોંચે છે.
આબુ ધાબીના આ રાજ પરિવારને ‘હાઉસ ઓફ નાહયાન’ તરીકે પણ ઓળખાય છે. યુનાઇટેડ આરબ અમિરાત પર જે છ પરિવારોનું રાજ ચાલે છે તેમાંથી અલ-નાહયાન એક પરિવાર છે. અલ-નાહયાન પરિવારમાં અબુ ધાબીમાં રાજ કરતાં-કરતાં હવે અઢીસો વર્ષ થઈ ચૂક્યા છે. આ પહેલાં પણ તેમના જ પરિવારમાંથી ખલિફા બિન ઝાયદ અલ નાહયાન યુનાઇટેડ આરબ અમિરાતના પ્રેસિડન્ટ હતા. યુનાઇટેડ આરબ અમિરાતમાં જે છ પરિવારો રાજ કરે છે તેમણે જાણે અલગ-અલગ વિસ્તાર વહેંચી લીધા હોય તેમ છે. જેમ કે દુબઈમાં મુક્તોમનું રાજ ચાલે છે, જેઓ ‘હાઉસ ઓફ અલ ફલાસી’ના વંશમાંથી આવે છે. શારજાહમાં અલ કાસીમ સર્વેસર્વા છે. અજમાનમાં અલ નુઆમી, ઉમ્મ અલ કુવૈનમાં અલ મૌઅલ્લા, ફુઝરૈહામાં અલ શરકી રાજ કરે છે.

‘હાઉસ ઓફ નાહયાન’ મુખ્ય મોહમ્મદ બિન ઝાયેદના અલ-નહયાન આ બધો જ કારભાર સંભાળી શકે છે તે માટે તેમણે પૂરતી ટ્રેઇનિંગ લીધી છે. 1980ના અરસામાં ઇંગ્લેન્ડમાં આવેલી ‘રોયલ મિલિટરી એકેડમી’માં ટ્રેઇનિગં મેળવી છે. કેટલાકં મોહમ્મદ બિનના ઝાયેદના અનુભવ એવાં છે જેની ચર્ચા ખૂબ થાય છે. જેમ કે 1980ના અરસામાં જ્યારે યંગ મિલિટરી ઓફિસર તરીકે મોહમ્મદ બિન ઝાયેદને તાંઝાનિયા જવાનું થયું ત્યારે તે ત્યાંના મસાઈ લોકોને મળ્યા હતા અને ત્યાંની ગરીબી જોઈ હતી. જ્યારે તે પાછા ફર્યા અને તેમના પિતાને ત્યાં ગરીબી વિશે વાત કરી અને કહ્યું કે, હું તેમની મદદ કરવા માગુ છું. જોકે તેમની એક અવઢવ હતી તે તેમણે પિતા સમક્ષ રજૂ કરી કે, હું તેમની મદદ તો કરું પણ તેઓ મુસ્લિમ નથી. ત્યારે મોહમ્મદ બિન ઝાયેદના પિતાએ તેનો હાથ મચડીને આંખમાં આંખ નાંખીને કહ્યું : ‘આપણે સૌ ઈશ્વરની સંતાન છીએ’. અબુ ધાબીના રાજાઓની આ પ્રકારની ભાવના રહી છે તેમ દર્શાવાય છે. મોહમ્મદ બિન ઝાયેદે ત્યાર બાદ પોતાના દેશમાં પણ મિલિટરીની ટ્રેનિંગ મેળવી અને તેઓ પછી યુએઈના એરફોર્સમાં પણ રહ્યા.

જોકે આ સંપત્તિ ટકવાનું એક કારણ તેમની જોહુકમશાહી પણ ગણવામાં આવે છે અને તેની ટીકા અવારનવાર થાય છે. આ સંપત્તિ ટકવાનું કારણ કોઈ પણ હિસાબે તટસ્થ ચૂંટણી ન થવા દેવાનો અલ-નાહયાન રાજપરિવારના પ્રયાસો છે. ઉપરાંત યુનાઇટેડ આરબ અમિરાતમાં રાજકીય અને નાગરિક અધિકારો ખૂબ મર્યાદિત છે. વાણીસ્વાતંત્ર્ય તો બિલકુલ નથી. મીડિયામાં ગમે તે ન બોલી શકાય અને માનવ અધિકારોને લઈને યુએઈનો રેકોર્ડ ખૂબ ખરાબ છે અને વૈશ્વિક માનવ અધિકાર અંગે કાર્ય કરતી સંસ્થાઓ તેને લઈને યુએઈને હંમેશા પ્રશ્ન ઉઠાવતી રહે છે. યમનના સિવિલ વોર દરમિયાન યુએઈની ભૂમિકા શંકાસ્પદ રહી છે અને એવું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે કે યુએઈના સર્વેસર્વા બની બેસેલાઓના જે કોઈ પણ વિરોધી હોય તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. ધ ન્યૂયોર્કર નામના છાપાએ એવાં અહેવાલ પ્રકાશિત કર્યા હતા કે, મોહમ્મદ બિનના ઝાયેદ તેમના વિરોધી સામે કાર્યવાહી કરવા માટે સ્વિઝર્લેન્ડ સ્થિત એક પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન ફર્મને કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. આ મિશન ગુપ્ત રીતે ચાલતું હતું અને તેમાં મોહમ્મદ બિનના ઝાયેદના વિરોધીઓ વિશે સોશિયલ મીડિયામાં ખોટી વાતો લખાય ત્યાં સુધીનું મિશન ગોઠવવામાં આવ્યું હતું. આ રીતે વિરોધીઓની છબિ ખરડીને તેમને બદનામ કરવાનો કારસો હતો.
અલ-નહયાન હોય કે, અન્ય કોઈ પણ સામ્રાજ્ય તેને ટકવા માટે ખોટી રીતો અપનાવી પડે છે અને આ રીતો ન અપનાવી હોત તો અલ-નહયાન પાસે આટલી જંગી સંપત્તિ એકઠી થઈ શકી ન હોત. અલ-નહયાન રાજપરિવારની સંપત્તિથી કેટલાં પણ અંજાઈએ પણ તેમના શાસન તળે રહેવું પડકાર છે અને તે પડકાર સામે અવાજ ઉઠાવો તો મોત પણ મળી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796