નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકારે મુસાફરોની સરળતા માટે ગુજરાતમાં દર મહિને 200થી 2000 બસો એસ. ટી. નિગમને આપવાની જાહેરાત કરી છે. તેમજ ડેપોમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં દરેક ડેપોમાં વધુમાં મુસાફરોને બસમાં અને ડેપોમાં સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી તેમજ નાસ્તો કર્યા બાદ આપણી બસ અને બસ સ્ટેશનની ભાવના સાથે કચરાને કચરાપેટીમાં જ નાખવા મુસાફરોને અપીલ પણ કરી હતી.
સતત ચોવીસ કલાક મુસાફરોથી ધમધમતા એસ. ટી. બસ સ્ટેશન તેમજ એસ. ટી. બસોને સ્વચ્છ રાખવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે શુભ યાત્રા અને સ્વચ્છ યાત્રા કેમ્પેઇન થકી સ્વચ્છતા અભિયાન સમ્રગ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ડેપોમાં સ્વચ્છતા અભિયાનને પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના મુસાફરોને અપીલ કરી હતી કે, આપણો ડેપો અને આપણી બસની ભાવના સાથે નાસ્તો કર્યા બાદ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. તેમજ બસમાં કે બસ સ્ટેશનમાં ગમે ત્યાં કચરો નહીં નાંખવા મુસાફરોને અપીલ કરી હતી. એસ. ટી. નિગમના કર્મચારીઓ બસ અને બસ સ્ટેશનને સાફ રાખવા સતત કામ કરી રહ્યા છે. પરંતુ તેમના કામમાં મુસાફરોએ પણ સહયોગ આપવો જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને સુવિધા માટે દર મહિને 200 નવી બસો લેખે દસ માસમાં 2000 બસો એસ. ટી. નિગમને આપવામાં આવશે.
દરેક બસ સ્ટેશનમાં એસ. ટી. બસ માત્ર દસ મિનિટમાં ક્લીન થાય તેવી વ્યવવસ્થા ઉભી કરવામાં આવશે. ડેપોમાં ચાલતા પે એન્ડ યુઝમાં માર્ચ-2024 સુધી ચાર્જીસ બંધ કરીને મફત પે એન્ડ યુઝ બસ સ્ટેશનમાં કરાશે. સ્વચ્છતા અંગે મુસાફરોના મંતવ્યો જાણવા માટે ખાસ QR કોડની મદદથી ફિડબેક લેવામાં આવશે. રાજ્યભરની 1681 બસોમાં ડસ્ટબીન મુકવામાં આવશે. ઉપરાંત સીટ રીપેરીંગ, કલરકામ, રિપેરીંગ, ડેન્ટીંગવાળા વાહનો આગામી સમયમાં કામગીરી કરાશે. એસ. ટી. નિગમની તમામ બસોને ખાનગી લક્ઝરી બસ કરતા ચડીયાતી બનાવવામાં આવશે.
આ અભિયાનનો રાણીપ ડેપો ખાતે સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલ, રાણીપ ડેપો મેનેજર પી. આર. ચાવડા, ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની સાથે રહી રાણીપ બસ પોર્ટ ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો આરંભ કરાવ્યો હતો. રાણીપ બસ સ્ટેશનમાં રહેલી બસોમાં કચરો નાખવા માટે ડસ્ટબિન મૂકવામાં આવેલા અને બસના સાફ સફાઈ કરવામાં આવી હતી.








