જયંત દાફડા(નવજીવન.અમદાવાદ): અમદાવાદમાં ગઇકાલે મોડી સાંજે આશ્રમ રોડ પર ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્ય સર્જાયા હતા. બાઈક પર આવેલા ચાર વ્યક્તિ આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરીને બંદૂકની અણીએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકથી દોઢ કલાકમાં જ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદમાં બનેલી લૂંટની ઘટના બાબતે ક્રાઇમ બ્રાન્ચના ડી.વાય.એસપી ડી. પી. ચુડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, ગઇકાલે ઇન્કમટેક્સ પાસેના ઓવર બ્રિજના છેડે લૂંટની ઘટના બાબતે આરોપીને શોધી કાઢવા માટે સૂચના અપાઈ હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર સી.બી. ટંડેલ અને એન.આર. બ્રહ્મભટ્ટને બાતમી મળતી હતી કે સરદારનગરમાં માયા સિનેમાની નજીક ત્રણ માળના મકાનના ધાબા ઉપર અજાણ્યા માણસો આવીને માલને સગેવગે કરી રહ્યા છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચીને તાપસ કરતા લૂટમાં સંડોવાયેલા કિશનસિંગ લાભસિંગ મઝવી, ગોવિંદ રાજાવત, અમિત શિવહારે, બલરામ રજાવત મળી આવ્યા હતા. તેમની તલાસી લેતા એક પિસ્તોલ, બે દેશી તમંચા, નાની-મોટી સાઇઝના કારતૂસ મળ્યા હતા. ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને રોકડ 43,90,000 મળી આવ્યા હતા. પોલીસે ચારે આરોપી પાસેથી કુલ કિંમત 74,02,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે લૂંટના બનાવને અંજામ આપવા માટેની ટિપ્સ આરોપી ગોવિંદના મિત્ર રાજૂ ઝાલા મહેસાણાવાળાએ આપી હતી. પકડાયેલા આરોપી તેમના અન્ય એક મિત્ર ચંદ્રભાન તોમર સાથે ભેગામળી આંગડિયા પેઢીના માણસોને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ ચારે આરોપીઓએ અઠવાડીયાની અંદર સી.ટી.એમ બ્રીજ નીચેથી એક હોન્ડા સાઇન અને હોન્ડા ઈગ્નેટર બાઇક ચોરી કરી હતી. જે ચોરીના બાઇકથી આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરી. ત્યારબાદ ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. પ્લાન મુજબ ચંદ્રભાન સી.એન.જી રિક્ષા લઈને શાહપુર ઊભો હતો ત્યાં ચોરીના બાઇક મૂકીને ચંદ્રભાન તોમરની રિક્ષામાં નાશી ગયા હતા.
પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ
- કિશનસિંગ ખૂનના ગુનામાં 2015માં રાજકોટમાં આજીવન કેદની સજા ભોગવતો હતો.જે એક વર્ષ પહેલા પંદર દિવસના પેરોલ પર બહાર આવીને પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.
- ગોવિંદ રાજાવત 2010માં મોરબી ખાતે ખૂન અને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટના કેસમાં 2016-2017 દરમિયાન પેરોલ મેળવીને પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.
- અમિત શિવહરે 2009માં સુરતમાં કપલના ખૂન કેસમાં સાડા ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો. ત્યારબાદ 2013માં જુનાગઢમાં હથિયારના કેસમાં પકડાયો હતો. 2015માં ધોરાજી પાસે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ કરીને 75 લાખના દાગીના અને રોકડ લૂંટી લીધા હતા જે કેસમાં પકડાઈ જતાં જેલમાં ગયો હતો. તે દરમિયાન પેરોલ મેળવી પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. 2015માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બે હથિયાર અને ગાડીની લૂંટના કેસમાં પકડાયો. 2016માં મેઘાણીનગર પો.સ્ટે. હથિયારના કેસમાં પકડાયો. 2017માં ડીસા રાજસ્થાન હાઇવે પર ડેરીવાળાને લૂંટવા જતાં પોતાની પિસ્ટલ ચેક કરતા સમયે તેના મિત્ર ગોવિંદને ગોળી વાગતા ડીસા રૂલર પો.સ્ટેમાં કેસ દાખલ થયો હતો.
![]() |
![]() |
![]() |











