નવજીવન ન્યૂઝ. લુણાવાડા: સ્વામીનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં ઘેરાયેલો છે. થોડા દિવસ અગાઉ સાળંગપુર હનુમાનના મંદિરમાં ભીંતચિત્રોને લઈ સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. કોઈને કોઈ બાબતને લઈ ખાસ કરીને ભગવાનની મૂર્તિ બાબતે શરૂ થયેલો વિવાદ શમી નથી રહ્યો, ત્યારે મહીસાગર (Mahisagar) જીલ્લાના લુણાવાડામાં (Lunawada) એક નવો વિવાદ શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની (Lunawada swaminarayan temple) બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બની ગયું છે. મંદિરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં સહજાનંદ સ્વામીને કદની દૃષ્ટિએ મોટા બતાવવામાં આવ્યા છે, જ્યારે ગણપતિને સહજાનંદ સ્વામી કરતાં નાના બતાવવામાં આવી રહ્યા છે. વધુમાં ગણપતિ સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા નજરે પડે છે. પોસ્ટરમાં જે પ્રકારે ગણપતિને નાના દર્શાવવામાં આવ્યા છે તેને લઈને ભક્તજનોમાં ભારે રોષ છે. સોશિયલ મીડિયામાં પણ મંદિરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. ગણપતિ ભક્તો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદિત પોસ્ટરમાં ભાજપના નેતા જે. પી. પટેલ ભક્તજનોનું સ્વાગત કરવાની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.
જે. પી. પટેલ એક વખત પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અને બે વખત મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે અને તેઓ પોતે ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ અને શિક્ષણ બોર્ડના સભ્ય છે. વિવાદને લઈ જ્યારે મીડિયાકર્મીઓ લુણાવાડાના સ્વામી નારાયણ મંદિરે પહોંચ્યા તો મંદિરમાં રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મીડિયા કર્મીઓને ઘેરી લઈ બંધક બનાવી લીધા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મંદિરમાં મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. મીડિયાકર્મીઓએ કરેલું રેકોર્ડિગ પણ ડિલીટ કરી નાખ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મીડિયાકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે પોલીસ પહોંચતા જ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે મીડિયા કર્મીઓની માફી માગી હતી.
વિવાદ આગળ વધે તે પહેલા જ પોસ્ટરને હટાવી દેવામાં આવ્યું હતું. જો કે, એ સવાલ પણ અસ્થાને નથી કે, સ્વામી નારાયણ સંપ્રદાયના લોકો અથવા સંતો શા માટે આ પ્રકારના વિવાદમાં સંપડાયેલા રહે છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદને લઈ 21 તારીખનાં રોજ જૂનાગઢ ખાતે સનાતન ધર્મના સંતોનું મહા સમ્મેલન યોજાયું હતું. ત્યાં ફરી પોસ્ટરમાં ગણેશજીને નાના દર્શાવવા મુદ્દે વિવાદ શરૂ થતાં ભક્તજનો આકરા પાણીએ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








