નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં ખનીજ માફિયા બેફામ બની રહ્યા છે. સરકારી જમીન હોય કે કોઈની માલીકીની જમીન હોય ખનીજ માફિયા અને તેમની ગેંગના સાગરીતો દાદાગીરી કરી બેફામ ખનીજ ચોરી કરી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુજરાતનો કોઈ પણ ખુણો લઈ લો આ ખનીજ માફિયાઓનો ત્રાસ વઘતાં-ઓછા અંશે યથાવત છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખુદ આ વિભાગ હોવા છતાં આ ખનીજ ચારોને કોઈ જ કાયદાનો ડર નથી તેવું લાગી રહ્યું છે. તેવામાં રાજ્યસભામાં ગેરકાયદે ખનીજ ખોદકામ અંગે રાજ્ય સરકાર દ્વારા થતા કેસોનાં આકડામાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે. તેની સામે દેશમાં સૌથી વધુ FIR તામિલનાડુંમાં થઈ છે.
ગુજરાતમાં 2020-22 એમ બે વર્ષમાં ગેરકાયદે ખનીજનું ખોદકામ, હેરાફેરી અને સંગ્રહખોરી મામલે બેફામ ખનીજ માફિયાઓ સામે ગુજરાતમાં કુલ 15,877 કેસ નોંધવામાં આવ્યા છે. જોકે, ઇન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સના આંકડા રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે ગેરકાયદે ખનીજ ખોદકામ અંગે દેશનાં 16 રાજ્યોમાં વર્ષ 2020-21માં 81,025 અને 2021-22માં 95,306 મળી કુલ 1,76,511 કેસ કરાયા છે. જ્યારે 19,383 FIR, 13,852 કોર્ટ કેસ, 53,263 વાહનો સીઝ કરવા સાથે રૂપિયા 2137 કરોડનો દંડ વસૂલાયો છે.
જો વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં 2020-21માં 7,164 કેસ નોંધાયા હતા, જે એક વર્ષમાં 21% વધી 2021-22માં 8713 થયા છે. આ સાથે 184 FIR અને 36 કોર્ટ કેસ દાખલ કરાયા છે. તો તેની સામે 11,539 વાહનો સીઝ કરી ખનીજ માફિયાઓ પાસેથી રૂપિયા 244.90 કરોડનો દંડ વસૂલાયો છે. જોકે, કેસ નહીં નોંધાતા હોય તેનો આંકડો આનાથી અનેક ગણો વધારે હોવાનું મનાય છે. ગુજરાતમાં સૌથી વધુ ખનીજચોરી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં વપરાતી નદીની રેતી તેમજ હાઈવે અને રેલવે નિર્માણમાં વપરાતી માટીની થઈ રહી છે. વધુ આ મામલે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 67% કેસ આ છ રાજ્યોનાં છે. દેશમાં ખનીજ માફિયાઓ સામે કુલ 19,383 FIR કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 10,590 તમિલનાડુમાં, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 4,219, રાજસ્થાનમાં 1,815 અને કર્ણાટકમાં 1,298નો સમાવેશ થાય છે.
બે વર્ષમાં નોંધાયેલા ગેરકાયદે ખોદકામના કેસ
ક્રમ રાજ્ય કેસ દંડ વસૂલાત
1 ઉત્તરપ્રદેશ 23,787 રૂપિયા 198.45 કરોડ
2 રાજસ્થાન 20,521 રૂપિયા 198.90 કરોડ
3 મધ્યપ્રદેશ 20,518 રૂપિયા 867.99 કરોડ
4 આંધ્રપ્રદેશ 20,087 રૂપિયા 78.04 કરોડ
5 મહારાષ્ટ્ર 17,745 રૂપિયા 271.04 કરોડ
6 ગુજરાત 15,877 રૂપિયા 244.90 કરોડ
7 કેરાલા 14,463 રૂપિયા 143.73 કરોડ
8 કર્ણાટક 11,525 રૂપિયા 65.31 કરોડ
9 છત્તીસગઢ 10,907 રૂપિયા 24.09 કરોડ
10 તેલંગાણા 8001 રૂપિયા 16.14 કરોડ








