નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Congress) પ્રવક્તા હેમાંગ રાવલ (Hemang Raval) દ્વાર એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થીતી અને પધ્ધતી પર પ્રહાર કરતા વિરોધપક્ષ કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ (Taxbook Board) પર ગંભીર આરોપ કર્યા હતા. હેમાંગ રાવલે પાઠ્યપુસ્તક મંડળ પર આરોપ લગાવ્યા હતા કે વિદ્યાર્થીઓને જૂના પુસ્તકો પહેલા પધરાવી દીધા અને હવે નવા કોર્ષના પુસ્તકો લાવી વાલીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. હેમાંગ રાવલે પાઠ્યપુસ્તક મંડળ પર પ્રહાર કરતા ક્હયું કે નવા પુસ્તકોમાં કાગળના પાના ઘટાડી દિધા હોવા છતાં ભાવ જૂના પુસ્તકો જેટલા જ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના હજારો ટન કાગળની ખરીદીના ભાવ પર પણ સવાલ પેદા કર્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આજરોજ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2023માં ધોરણ 10-12નું રિઝલ્ટ છેલ્લા દાયકામાં સૌથી વધારે નીચું આવ્યું છે. જે સૂચવે છે કે રાજ્યની શિક્ષણની હાલત ખાડે ગઈ છે. ત્યારે હવે રાજ્યમાં નબળી થયેલી શિક્ષણની ગુણવત્તાને ઢાંકવા પાઠ્ય પુસ્તક મંડળે ધોરણ 6થી 12ના ગણીત-વિજ્ઞાનના વિષયના કોર્ષમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યપાઠ્ય પુસ્તક મંડળે સૌ પ્રથમ માર્ચ મહિનામાં જૂના કોર્ષના પુસ્તકોથી ભરેલા ગોડાઉન ખાલી કરવા વિદ્યાર્થીઓને જૂના પુસ્તકો પધરાવી દીધા અને વેચાણ માટે વિક્રેતાઓને પણ આપી દીધા અને જણાવ્યું કે આ કોર્ષ જ ચાલશે. પણ બાદમાં પાઠ્યપુસ્તક મંડળ નવો કોર્ષ લાવ્યું જેના કારણે હવે શાળાઓ વિદ્યાર્થીને નવા પાઠ્ય પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડી રહી છે. આમ મજબૂરીવશ વાલીઓને બાળકો ભણાવવા માટે નવા પાઠ્યપુસ્તકો ફરીથી ખરીદવા પડી રહ્યા છે જેના કારણે બે-બે વખત પાઠ્યપુસ્તકના ખર્ચ કરવા પડી રહ્યા છે.
રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે હજારો ટન કાગળની ખરીદી રૂપિયા 108ના ભાવથી કરવા ટેન્ડર પાસ કર્યુ હોવાની વિગતો આપતા રાવલે ઉમેર્યું હતું કે, પાઠ્યપુસ્તક મંડળે હજારો ટન કાગળ 108ના ભાવથી ખરીદવાનું નક્કી કર્યું તે જ કાગળ અને ગુણવત્તા રૂપિયા 87ના ભાવથી અન્ય પાર્ટી સરકારની અન્ય એજન્સીને સપ્લાઈ કરી રહી છે. જેના કારણે તે પાર્ટી હાઇકોર્ટ સમક્ષ પણ ગઈ હતી અને તેમાં રૂપિયા 108માં કાગળ આપતી કંપનીને પણ પાર્ટી બનાવવામાં આવી છે. ત્યારે સવાલ એ પેદા થાય છે કે પાઠ્યપુસ્તક મંડળ આવી ખરીદી શા માટે કરી રહી છે? ટેન્ડર પ્રક્રિયા પર આક્ષેપ કરતા રાવલે જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તક મંડળમાં છેલ્લા 15 વર્ષથી એક જ પાર્ટીને ટેન્ડર મળી રહ્યું છે આવું કેમ?
સાથે જ હેમાંગ રાવલે જૂના કોર્ષ અને નવા કોર્ષના પુસ્તકોના ભાવની ગણતરી કરતા જણાવ્યું હતું કે, જૂના કોર્ષના ગણીતના પુસ્તકની કિંમત રૂપિયા 126 અને પાના 318 હતા જ્યારે નવા પુસ્તકની કિંમત એજ રહે છે પણ પાના ઘટીને 230 થઈ ગયા છે. તો કાગળ ઘટવા છતાં પણ પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકનો ભાવ એક જ કેમ રાખ્યો તે પણ સવાલ છે. આ પ્રકારે વિજ્ઞાનના પુસ્તકમાં પણ તેમણે વાત કરી હતી કે, આ પુસ્તકનું મુદ્રણ વર્ષ 2019માં થયું છે જેમાં 282 પાના હતા જે હવે નવા કોર્ષ સાથે વર્ષ 2023માં મુદ્રિત થતા તેમાં કોર્ષ ટૂંકાવી દેવાયો હોવા છતાં પાના 180 થવા જોઈએ તેના બદલે પાના 282 જ રહ્યા છે. ઉપરાંત વિજ્ઞાનમાં સૌથી મહત્વના ચેપ્ટર કાપી નાખવાનો પણ રાવલે આરોપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ મામલે માગણી કરતા જણાવ્યું હતું કે, રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લઈ જૂના પુસ્તકોને વિનામૂલ્યે નવા પુસ્તકો સાથે બદલાવી આપવા માટે કાર્યવાહી કરે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








