સતત દોડે છે આ શહેર,
પણ જરાય હાંફતું નથી.
ખમીસમાંથી સરી પડેલા સિક્કાની જેમ
ઘાટ પર ઠલવાતી શ્રદ્ધાઓ ગંગાજીમાં
જળસમાધિ લઈ લે છે.
ઘાટનાં પગથિયે છત્રીની
છત્રછાયામાં ત્રિપુંડધારી ચોબો ત્રીજી આંગળી
કંકુમાં ડબોળીને કોક કપાળની શોધમાં
ઉભડક બેઠો છે.
પેણે, ગૌદલિયા ચૌરાયા પર આખલાએ
આળસ મરડીને સડકને છાજે એવો
પોદળો પાથર્યો છે.
મણિકર્ણિકા ઘાટ પર કોકનાં સ્વજનની ચીસ
કફનનાં તોરણમાં મોક્ષ બનીને લટકી રહી છે.
આ કોર રબડીની દુકાન કને
શંકરજી ત્રિશુલ બાજુએ મૂકી રબડી વિથ
જલેબી ખાતાં ખાતાં વિશ્વનાથ ગલીમાં
જતાં શ્રદ્ધાળુઓને સબડકે સબડકે પી
રહ્યા છે.
અહીં, સુરજ ઉગતાં જ શ્રદ્ધાઓ ઉગી
નીકળે છે…
ને હું ચાલી નીકળું છું એવી ફ્રેમની
શોધમાં જે ક્લિક થતાં થતાં
પાછી શોધ થઈ જાય છે.
LOVE YOU BANARAS…