ચીનમાં કોરોના મહામારીના નિયંત્રણો હળવા કરાયા પછી વધુને વધુ લોકો પ્રવાસ માટે ઉતાવળા
ભારતે જાન્યુઆરીમાં રાશિયાથી ક્રૂડ ઓઇલની દૈનિક આયાત ૯.૨ ટકા વધારીને ૧૪ લાખ બેરલ કરી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Crude Oil Prices: ચીનની માંગ મોટાપાયે નીકળશે, એવા અહેવાલો પછી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Crude Oil) એપ્રિલ વાયદામાં ગત શુક્રવારે આવેલો બે ડોલરનો ઘટાડો ધોવાઈને મંગળવારે ભાવ ૮૩.૮૧ ડોલર અને અમેરિકન ડબલ્યુટીઆઈ 77.34ની ઊંચાઈએ મુકાયા હતા. ચીનમાં કોરોના મહામારીના તમામ નિયંત્રણો હળવા કરાયા પછી, વધુને વધુ લોકો પ્રવાસ માટે ઉતાવળા થતાં, વધેલી ઊર્જા માંગે, નવી ઇફાઇનરીઓને પણ ઉત્પાદનમાં લઈ જવાતા ૨૦૨૩માં વિક્રમ ક્રૂડ ઓઇલની આયાત આવશ્યકતા રહેશે. રશિયન નિકાસ પરના નિયંત્રણો અને ઓપેક પ્લસ દેશોનો ઉત્પાદન ઘટાડવાનો મક્કમ નિર્ધાર આમ પણ ક્રૂડ ઓઇલ બજારને તેજીના વહેણમાં લઈ ગયા છે.
૨૦૨૦ પછીના ચીનમાં કોરોનાકાળમાં છેલ્લા બે વરસથી સરેરાશ આયાત, દૈનિક ૧૦૮ લાખ બેરલની હતી, તે આ વર્ષે દૈનિક પાંચથી ૧૦ લાખ બેરલ વધીને ૧૧૮ લાખ બેરલની ઊંચાઈએ પહોંચી જવાની શક્યતા, વૂડ મેકેનજી, એનર્જી આસપેક્ટ અને એસએન્ડપી ગોલબલ કોમોડિટી ઈન્સાઈટ જેવી એજન્સીઓ દર્શાવી રહી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પણ તેની તાજેતરની આગાહી આ જ પ્રકારે કરી હતી.
ભારતે જાન્યુઆરીમાં રાશિયાથી ક્રૂડ ઓઇલની દૈનિક આયાત, ડિસેમ્બર ૨૦૨૧થી ૯.૨ ટકા વધારીને વિક્રમ ૧૪ લાખ બેરલ કરી હતી. ટ્રેડ ડેટા કહે છે કે રશિયાએ કોઈ એક માસમાં ભારતને આ વિક્રમ નિકાસ કરી હતી. ડેટા સૂચવે છે કે વિશ્વના સૌથી મોટા ત્રીજા નંબરના ક્રૂડ ઓઇલ આયાતકાર ભારતે ઈરાક, સાઉદી અરેબિયા કરતાં પણ રશિયા પાસેથી વધુ આયાત કરી હતી. જાન્યુઆરીમાં ભારતની દૈનિક કૂલ ૫૦ લાખ બેરલ આયાતમાં રાશિયાનો હિસ્સો ૨૭ ટકા હતો. ક્રૂડ ઓઇલ રિફાઇનરીઓ માટેના પ્રથમ ત્રિમાસિક માટે ભારત સરકારે નિર્ધારિત કરેલા ઉત્પાદન લક્ષ્યાંકને પહોંચી વળવા, સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં મેન્ટેનન્સ માટે બંધ રહેતી સરકારી રિફાઇનરીઓએ ઉત્પાદન બંધ રાખવાનું ટાળ્યું છે.
ગત શુક્રવાર સુધી ખેલાડીઓ એવી ચિંતામાં હતા કે ફુગાવો વધી રહ્યો છે, સાથે જ વ્યાજદર પણ વધતાં રહેશે, આટલું અધૂરું હોય તેમ અમેરિકન સરકારે એવા અહેવાલ આપ્યા કે સપ્તાહદર સપ્તાહ પુરવઠો વધતો રહેશે. સાથે જ પુરાંતમાં વૃધ્ધિ થશે, આવી સ્થિતિમાં તેજીવાળાએ હાથ પરના સોદા ફેકીને હળવા થઈ ગયા હતા. વાસ્તવિકતા એ હતી કે અમેરિકન સરકારની એજન્સી આઈઇએ (ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી)ની ભગિની સંસ્થા ઇઆઈએ (એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન) એવા અહેવાલ આપ્યા જેનાથી બજારમાં નવા વલણો પેદા થયા હતા. ઇઆઈએ દ્વારા સતત ૮માં સપ્તાહે એવા અહેવાલ આપ્યા હતા કે પુરવઠામાં ૫૧૦ લાખ બેરલનો ઉમેરો થતાં ઇન્વેન્ટરીમાં વધારો થયો હતો.
અન્ય કેટલાક ફન્ડામેન્ટલ સમાચારોએ બજારને સાવધ અને સલામતીપૂર્વક ખેલ પાડવાના સંકેત આપ્યા હતા. કોમોડિટી સેકટર માટે ૨૦૨૩ના આરંભમાં ભાવના ચઢાવ ઉતાર આવા જ રહેશે, તેથી બજારને આ જ રીતે જોવની રહેશે. બજારમાં આશાવાદ તો એવો છે કે ગયાવર્ષની માફફ આ વર્ષે ભાવમાં મોટી ઉથલપાથલ અને નાટકચેટક જોવા નહીં મળે. બ્લુમબર્ગ કોમોડિટી ટોટલ રિટર્ન ઇંડેક્સ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં ૩૮ ટકા ઘટયા પછી વધુ ઘટાડા તરફ આગળ વધી આખરી ત્રિમાસિકમાં ૧૬ વળતર આપી શક્યો હતો. મજબૂત ડોલર અને બીજા અર્ધવાર્ષિકમાં મંદીના નગારા વાગવા લાગતાં વર્ષાન્ત વળતરને આજે પણ વાજબી ગણવામાં આવી રહ્યું છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી કહે છે કે ૨૦૨૩માં ક્રૂડ ઓઇલની કુલ માંગ ઐતિહાસિક ઊંચાઈએ જવા દૈનિક ૧૯ લાખ બેરલની માંગ વૃધ્ધિ થશે. હવે પછી ભાવ સતત વધારા તરફી રહે તેવા ફન્ડામેન્ટલ્સની રચના થઈ રહી છે, ખાય કરીને ચીનમાં જેટ ફ્યૂઅલની માંગમાં ધરખમ વધારો થશે જે ક્રૂડ ઓઇલની માંગને બુસ્ટર ડોઝ આપશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








