નવજીવન ન્યૂઝ. અમદાવાદ: મોબાઈલ ચોરી કે ગુમ થાય ત્યારે તેને શોધવા માટે પોલીસ IMEI નંબરના આધારે તપાસ કરતી હોય છે. આમ કોઈ ચોક્કસ IMEI Number તે મોબાઈલની આઈડેન્ટીટી કહી શકાય. પરંતુ જો IMEI નંબર જ બદલી દેવામાં આવે તો પોલીસ તપાસ કરે શેના આધારે? તે સવાલ પેદા થાય. આવું જ કારસ્તાન કરતો એક શખ્સ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Cyber Crime Branch) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના નહેરુબ્રિજ વિસ્તારમાં (Nehru Bridge) આવેલ જનપથ કોમ્પલેક્ષ મોબાઈલ માર્કેટ (Janpath The Mobile Market) તરીકે ખ્યાતી ધરાવે છે. આ માર્કેટમાં નવા-જૂના મોબાઈલ ફોનની મોટા પાયે લે વેચનો વેપાર થાય છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે જનપથ કોમ્પલેક્ષમાં આવેલ મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં IMEI બદલવાનું કારસ્તાન ચાલે છે. જ્યાં આઈફોન સહિતના મોંઘાદાટ ચોરીના મોબાઈલ ફોનમાં કારસ્તાન કરી IMEI આઈડી પાસવર્ડ બદલી આપવામાં આવે છે. બાદમાં ચોરીના ફોન માર્કેટમાં સરળતાથી વેચવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ જો IMEI ન બદલવામાં આવે તો પોલીસ IMEIના આધારે ફોન ટ્રેસ કરી આરોપી સુધી પહોંચી શકે છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મન્નત કોમ્પલેક્ષમાં દરોડો કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં આરોપી અબ્દુલખાલીક મોહમ્દ વસીમ શેખે ધોરણ 10 સુધી અભ્યાસ કરી સુલતાન અહેમદ યતીમખાનામાંથઈ મોબાઈલ રિપેરિંગનો આઈ.ટી.આઈ.નો કોર્ષ કરી મોબાઈલ રિપેરિંગના કામે લાગ્યો હતો. આરોપી 15 વર્ષથી મોબાઈલ રિપેરિંગની દુકાન ખોલી મન્નત કોમ્પલેક્ષમાં વ્યવસાય કરતો હતો. પરંતુ ત્યાં તેણે મોબાઈલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના IMEI બદલી આપવાનું કામ શરૂ કરતા હવે પોલીસની ઝપટે ચઢ્યો છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ 420, 465, 568, 471 અને ધી ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમ 25 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ કેટલા મોબાઈલ ફોનમાં આ પ્રકારે IMEI નંબર બદલ્યા છે અને કેટલા ફોનના લોક ગેરકાયદેસર રીતે ખોલ્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








