નવજીવન ન્યૂઝ. જસદણ: હિન્દૂ ધર્મમાં મહાદેવની પુજા અર્ચના અને અભિષેકનું મોટું મહાત્મય છે. જેના કારણે શિવાલયો બહાર લોકોની અભિષેક માટે લાંબી કતારો જોવા મળતી હોય છે. આવી જ શ્રધ્ધળુંઓની લાંબી લાઈન જોવા મળે છે જસદણના ઐતિહાસીક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં. પરંતુ હવે નાયબ કલેકટરે અભિષેક માટે રુપિયા ભરવા પડશેનો નિર્ણય કરતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સાથે જ ધર્મને ધંધો બનાવી દેવાના આરોપ પણ લોકો કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ઘેલા સોમનાથ મહાદેવનું વિખ્યાત મંદિર આવેલું છે. આ મંદિરમાં શિવ દર્શનાર્થે હજારો ભાવિક આવતા રહે છે. સાથે જ ભાવિકો અહિં મહાદેવનો જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ હવે આ કામ કરવા માટે ભાવિકોને રૂપિયા 351નો ચાર્જ ચૂકવવો પડશે અને બાદમાં તેની પાવતી બતાવવી પડશે તો જ જળાભિષેક થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઉપાધ્યક્ષ પદે નાયબ કલેકટર છે અને તેમના દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ કલેકટરે જળાભિષેક માટે રૂપિયા 351નો ચાર્જ નક્કી કરી સૂચનાનું બોર્ડ લગાવવામાં આવતા ભક્તો અને સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ સામાજિક અગ્રણીઓએ આ મામલે રજૂઆત પણ કરી હોવાના અહેવાલ છે. તેમજ આગામી સમયમાં સંત સમાજ અને સામાજિક અગ્રણીઓ કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરશે, જો બાદમાં પણ આ નિર્ણય પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની પણ તૈયારી સામાજિક આગેવાનોએ બતાવી છે.
બીજી તરફ જળાભિષેક માટે રૂપિયા 351 ચાર્જ ચૂકવવાના નિર્ણય બાબતે નાયબ કલેકટરે મીડિયાને જણાવ્યું હતું કે, આ નિર્ણયનો વિરોધ કેટલાક લોકો અંગત સ્વાર્થના કારણે કરી રહ્યાં છે. જે રૂપિયા જળાભિષેક માટે ચૂકવવામાં આવશે તેનો ઉપયોગ યાત્રીઓની સુવિધામાં ઉપયોગ થશે. મહત્વની વાત છે કે, રાજકોટ જિલ્લા કલેકટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








