નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટના જેતપુરમાં રૂપિયાની લેતી-દેતીમાં એક મિત્રએ બીજા મિત્રનું ઢીમ ઢાળી દીધું છે. માત્ર 700 રૂપિયાની બાબતે મિત્રતાને લજાવતો કિસ્સો જેતપુરમાં બન્યો છે. એક મિત્રએ 700 રૂપિયાની ઉઘરાણી કરતા બીજા મિત્રએ નિર્દયતાથી તેની હત્યા કરી નાખી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જેતપુરમાં કણકીયા પ્લોટમાં આવેલા જુના રેનબસેરાની અગાસી ઉપરથી એક યુવકની લાશ મળી હતી. આ લાશ મામલે જેતપુર પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસ તપાસમાં મૃતદેહ તાલુકાના થાનગલોલ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા મુકેશ દેવસીભાઈ પરમારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રેન બસેરાની અગાસીમાં લોહીથી લથબથ મૃતદેહનો કબજો લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં મુકેશનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ કે પથ્થર લાગવાથી થયું હોવાનું સામે આવેલ હતું. એક અંદાજ મુજબ મુકેશની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું,
કોણ છે મુકેશ અને કોણે કરી મુકેશની હત્યા
જેતપુર તાલુકાના થાણાગલોળ ગામમાં મુકેશ દેવસીભાઈ પરમાર તેના પરિવાર સાથે રહે છે, મુકેશની પત્ની તેના એક દીકરાને લઈને ક્યાંક જતી રહી છે અને મુકેશ એકલવાયું જીવન જીવે છે. તે અવારનવાર જેતપુર આવીને તેના મિત્ર સવજી ડાયા બગડા સાથે મજૂરી કામ કરતો હતો. છેલ્લા 2 – 3 દિવસ તે જેતપુરમાં ગમે તે જગ્યાએ રાતવાસો કરી લેતો હતો. તેના મિત્ર સવજી ડાયા બગડાએ તેને કોઈ કારણો સર માત્ર 700 રૂપિયા આપ્યા હતા અને સવજી અવારનવાર આ પૈસાની ઉઘરાણી કરતો હતો અને મુકેશ આ પૈસા આપતો ન હતો, ત્યારે જેતપુરના કણકીયા પ્લોટમાં વોલીબોલ ગ્રાઉન્ડ આવેલ શોપિંગ સેન્ટરની છત ઉપર 700 રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ અને સવજીએ મુકેશને માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સવજી મુકેશની હત્યા કરીને પછી થાણાગાલોળ ગામમાં વાત કરવાનું શરૂ કર્યું કે મુકેશ પૈસા નહોતો આપતો એટલે મારી નાખ્યો, મુકેશના ભાઈ અતૂલે પોલીસ ફરિયાદમાં પણ સવજીએ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેને લઈ જેતપુર પોલીસે સવજીની ઘરપક્કડ કરીને કડક પૂછપરછ કરતા સવજીએ પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
મૃતક મુકેશ અને સવજી બંને એક જ ગામના હોવા સાથે મિત્ર પણ હતા, અને બંને એકબીજા સાથે કામ પણ કરતા હતા. નાની-મોટી જરૂરિયાતમાં એક બીજાને મદદ પણ કરતા હતા. પણ મુકેશ જ્યારે સવજીના 700 રૂપિયા પરતના આપી શક્યો ત્યારે સવજીને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં જ તેણે મુકેશના માથે પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. હાલ સવજીની મિત્રની હત્યાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ & તસ્વીર આભારસહ- સુરેશ ભાલીયા, જેતપુર
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








