નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે સવારે બાળકોને લઈને જતી સ્કૂલવાન અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જોયો છે. પુરપાટ ઝડપે આવી રહેલી બસે સ્કૂલવાને ટક્કર મારતા કાર પટલી ખાય ગઈ હતી. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોની ઈજા પહોંચી છે. આ પૈકી એક બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના ચ-6 સર્કલ પાસેથી બાળકોને લઈને સ્કૂલવાન પસાર થઈ રહી હતી. આ દરમિયાન ખાનગી બસે સ્કૂલવાનને ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી જબરજસ્ત હતી કે સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. વહેલી પરોઠે રોડ પર બાળકોની ચીચયારી સંભળાતા રાહદારીઓ તરુંત બાળકોની મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા અને પલટી ખાઈ ગયેલી વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. તમામ બાળકો સેક્ટર 23 કેન્દ્રીય વિદ્યાલયના હોવાનું સામે આવ્યું છે.
આ સ્કૂલવાનમાં 12 બાળકો સવાર હતા. જેમાંથી 10 બાળકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એક બાળકને હાઈટેક અને એકને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બાળકોને હોસ્પિટલ લઈ જતાં તેમના વાલીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે બસના ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે.








