Wednesday, July 8, 2026
HomeBusinessખાંડમાં ટૂંકાગાળાની તેજીના મંડાણ

ખાંડમાં ટૂંકાગાળાની તેજીના મંડાણ

- Advertisement -

ખાંડ નિકાસ ૧૧૨ લાખ ટન ક્વોટાની તુલનાએ ઘટીને ૯૦ લાખ ટન સુધી મર્યાદિત રહેશે

વૈશ્વિક તહેવારોમાં સુગરની વપરાશી માંગ નીકળશે ત્યારે પણ ભાવ ઉપર તરફ ગતિ કરશે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ(નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝિલમાં ભારે વરસાદ અને તેને પગલે પોર્ટ પર ખાંડ નિકાસમાં બાધા ઊભી થઈ છે. એનાલિસ્ટોએ  બ્રાઝિલનું સુગર ઉત્પાદન ઓકટોબર આરંભે અંદાજયું હતું, તેના કરતાં ૧ લાખ ટન ઘટાડી નાખ્યું છે. આ તરફ બ્રાઝિલિયન રિલ બે ટકા મજબૂત થવાથી નિકાસ વેચાણ ધીમું પડ્યું છે, આ બધાં સમાચારોએ ખાંડનો આંતરપ્રવાહ મક્કમ બનાવી દીધો છે. ન્યુયોર્ક માર્ચ રો સુગર વાયદો મંગળવારે પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧૮.૩૮ સેન્ટની ઊંચાઈએ ગયો હતો. ગત શુક્રવારે સાડા ત્રણ સપ્તાહના તળિયે ૧૭.૫૫ સેંટ, સાપ્તાહિક ધોરણે ૪.૩૫ ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર રિફાઈન્ડ સુગર વધીને ટન દીઠ ૫૩૦ ડોલર બોલાયો હતો. આ વર્ષે રો સુગર ભાવ ૩ એપ્રિલે ૨૦.૬૯ સેન્ટની ઊંચાઈએથી ગબડીને ૨૭ જુલાઈએ ૧૭.૨૦ મુકાયો હતો.

છેલ્લા બે દિવસમાં ભાવ ઉછળવાનું અન્ય એક કારણ ભારતે નિકાસ પ્રતિબંધો ઓકટોબર ૨૦૨૩ સુધી લંબાવ્યા તે પણ હતું.  અલબત્ત, હજુ સુધી નિકાસ કવોટા નિર્ધારણ બાકી છે. એનાલિસ્ટો માને છે કે સરકાર બીજા તબક્કામાં ૩૦ લાખ ટન નિકાસની પરવાનગી આપશે. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશનણું માનવું છે કે ૨૦૨૨-૨૩ની મોસમમાં ખાંડ નિકાસ, ૨૦૨૧-૨૨ના ૧૧૨ લાખ ટન ક્વોટાની તુલનાએ ઘટીને ૯૦ લાખ ટન સુધી મર્યાદિત થઈ જશે.

બ્રાઝિલનું સુગર ઉત્પાદન વર્ષાનું વર્ષ ૫.૭ ટકા વધીને ૩૫૨ લાખ ટન અંદાજાયું છે. પણ ભારે વરસાદને લીધે ઉત્પાદન ઘટવાના અહેવાલ, ટૂંકાગાળા માટે તેજીના ટેકારૂપ ગણાવી શકાય. સ્ટોનેકસ સુગર એજન્સી ૨૦૨૩-૨૪નો જાગતિક સુગર ઉત્પાદન અંદાજ, ભારત, બ્રાઝિલ અને થાઈલેન્ડથી મોટા ઉત્પાદનના અનુમાન પર વર્ષાનું વર્ષ ૩ ટકા વધારીને ૧૯૪૪ લાખ ટન મૂક્યો હતો. જ્યારે વર્ષાન્ત પુરાંત ૩૯ લાખ ટન મૂકી હતી. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનએ ૨૦૨૨-૨૩નો ઉત્પાદન અંદાજ ૪.૫ ટકા વધીને પાંચ વર્ષમાં સૌથી વધુ ૧૮૧૯ લાખ ટન અને વર્ષાન્ત પુરાંત  ૫૬ લાખ ટન મૂકી હતી.

- Advertisement -

બ્રાઝિલમાં ફ્યુઅલ પરના કરવેરા ઘટાડવામાં આવ્યા છતાં, ઇથેનોલની માંગ જળવાઈ રહી છે. રો સુગરના ભાવ છેલ્લા ચાર સપ્તાહથી વધી રહ્યા છે, છેલ્લા ૧૮ મહિનામાં આ સૌથી મોટો તેજીનો રેલો છે. આગામી વૈશ્વિક તહેવારોમાં સુગરની વપરાશી માંગ નીકળશે, ત્યારે પણ ભાવ ઉપર તરફ ગતિ કરશે. અલબત્ત, ક્રૂડ ઓઇલના ભાવને અનુસરતા ઇથેનોલના ભાવ વધવા સાથે શેરડીનો વપરાશ ખાંડ ઉત્પાદનને બદલે ઇથેનોલમાં વધશે.

જો કે જુદાજુદા ક્ષેત્રના એનાલિસ્ટઓ પણ માને છે કે ટૂંકાગાળામાં ખાંડ અને ઇથેનોલ બંનેબા ભાવ વધવા અટરફી રહેશે. શિકાગો સ્થિત પ્રાઇસ ફ્યુચર્સ ગ્રૂપના ચીફ ક્રોપ એનાલિસ્ટ કહે છે કે વર્ષના આરંભથી ઇથેનોલના ભાવ બહુ બધા નથી વધ્યા, સરેરાશ ૨.૧૬ ડોલર પ્રતિ ગેલન આસપાસ ફરતા રહ્યા છે. સામાન્ય રીતે માંગને આધારે ટ્રેડ થતો રહ્યો છે. ભારતીય એજન્સી નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીઝએ દેશનું ૨૦૨૨-૨૩નો ખાંડ ઉત્પાદન અંદાજ ૩૬૦ લાખ ટન મૂક્યો છે, ૨૦૨૧-૨૨માં ૩૫૯.૨ લાખ ટન થયું હતું. વર્તમાન મોસમના ઓકટોબર પહેલા મહિનામાં દેશમાં સુગર ઉત્પાદન ૧૪.૭૩ ટકા ઘટીને ૪.૦૫ લાખ ટન થયું હતું.

(અસ્વીકાર સુચના: કોમોડીટીડીએનએ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular