મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રવિવારની સાંજથી મોરબી સહિત સમગ્ર ગુજરાત શોકમય બની ગયું છે. સરકારી આંકડા મુજબ 138 લોકોના મૃતદેહ મળી આવ્યા પછી પણ; ઘટનાના 36 કલાક પછીયે તંત્ર હજુ મૃતદેહો શોધવાનું કામ કરી રહ્યું છે. બીજી બાજુ ‘સંવેદનશીલ’ સરકારનું તંત્ર હોસ્પિટલને રંગવાનુ કામ કરવામાં વ્યસ્ત છે. કારણ કે આજે ત્યાં ‘સાહેબ’ આવવાના છે.
પોલીસ તંત્રએ પણ 9 કર્મચારીઓની ધરપકડ કરીને જાણે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય તેમ રાહતનો શ્વાસ લઈને બેસી ગયું છે. આ 9 લોકોની ધરપકડ બાદ રેન્જ IG અશોક યાદવે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ જ્યારે પત્રકારોએ ઓરેવા કંપનીના જયસુખ પટેલની ધરપકડ અંગે સવાલો કર્યા ત્યારે પણ તેમણે સરકારી જવાબ આપતા કહ્યું હતું કે, “જો તે આરોપી હશે તો કાર્યવાહી ચોક્કસ કરીશું.” જયસુખ પટેલ વિષે એ સિવાય કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
જ્યારે સોશિયલ મીડિયામાં અને સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે, “આ ધરપકડ પણ કોઈ રાજકારણીના ઈશારે થઈ છે. નાના માણસોને અંદર કરીને મુખ્ય જવાબદારોને પોલીસ છાવરી રહી હોય એવું લાગે છે. ચૂંટણી નજીક હોવાના કારણે તંત્ર પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેમાં પોલીસ તેમની સાથે છે અથવા પોલીસ પર રાજકીય દબાણ હોય તેવું પણ બને.”
આ હોનારતમાં ભોગ બનેલા લોકોની વ્યથા ભલે તંત્રને કે પોલીસને ન સંભળાઈ રહી હોય; પણ તેમના રુદન અને કારમી ચીસ હજુ સુધી ગુજરાતના સામાન્ય લોકોને સંભળાઈ રહી છે. એ મરણચીસો અને હૈયાફાટ રુદનના અવાજ છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે. આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં અરજદારે એવી માગણી કરી છે કે, “સુપ્રીમ કોર્ટના જ કોઈ રિટાયર્ડ જજના નેતૃત્વમાં એક SIT બનાવવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં આવે.” જેથી મૃતકોના પરિવારજનોને ન્યાય મળે.
આ ઉપરાંત એડવોકેટ વિશાલ તિવારીએ પોતાની અરજીમાં ઉમેર્યું છે કે, “જેટલા પણ પૂલ કે સ્મારક હોય જૂના ત્યાં ભીડ મેનેજ કરવા માટે કાયદો પણ બનાવવામાં આવે. જેથી આવી કોઈ ઘટના દેશમાં બીજીવાર ન બને.








