નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં થોડા સમય અગાઉ પ્રધાનમંત્રીએ વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ આ ટ્રેનનું ઉદ્ઘાટન થયા બાદ સતત આ ટ્રેન ચર્ચામાં રહી છે. વારંવાર રખડતાં ઢોર સાથે આ ટ્રેનના અકસ્માત થાય છે. રખડતાં ઢોર રસ્તા ઉપર વાહનચાલકોને તો નડે જ છે પણ હવે ટ્રેનને પણ આ રખડતાં ઢોરના કારણે અકસ્માત નડી રહ્યા છે. હવે આગામી સમયમાં એરપોર્ટ રનવે ઉપર પણ રખડતાં ઢોર આવી જાય તો નવાઈ નહીં. હવે ફરી એક વાર વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે ગાય ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન સાથે વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેન સાથે ગાય ટકરાઇ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અચાનક ટ્રેન આગળ ગાય આવી જતાં એન્જિનના ભાગમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. ટ્રેનને નુકશાન થયું હોવાને કારણે નજીકના અતુલ સ્ટેશન પર જ ટ્રેનને રોકવાની ફરજ પડી હતી અને ત્યાર બાદ અડધો-પોણો કલાક સમારકામ થયા બાદ ટ્રેન રવાના થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વંદે ભારત ટ્રેનનો પહેલો અકસ્માત નથી. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના ચોથા દિવસે જ ટ્રેનને અકસ્માત નડ્યો હતો જેમાં પણ ટ્રેનની આગળના ભાગે નુકશાન થયું હતું અને તેના બીજા જ દિવસે પણ ફરીથી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ બંને અકસ્માત રખડતાં ઢોરને કારણે જ સર્જાયા હતા અને આજે પણ ફરી એક વાર રખડતાં ઢોરના કારણે વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે.








