નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય ખેલ જામી રહ્યો છે. પ્રજાને આકર્ષવા નેતાઓ બેફામ નિવેદનો આપી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. આ વીડિયો બાબતે મહિલા આયોગે ગોપાલ ઈટાલીયાને નોટિસ પણ ફટકારી છે. વીડિયો અંગેના ખુલાસો કરતા ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ભાજપ પટેલ વિરોધી માનસિકતા ધરાવાતી પાર્ટી છે.
આપના નેતાના વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાતા આજે ગોપાલ ઈટાલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ વીડિયો અંગેની સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીના તમામ રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કેન્દ્રના મંત્રીઓ મારી વિરૂદ્ધ વિશાળ ષડયંત્ર રચવામાં લાગી ગયા છે. જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે જનતા અરવિંદ કેજરીવાલને પ્રેમ કરી રહી છે, એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. 27 વર્ષથી ચાલી રહેલી ભાજપની સરકાર પાસે ગુજરાતની જનતા હિસાબ માંગી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપ પટેલ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે. છેલ્લા અમુક દિવસોથી ભાજપ વાળા વીડિયો લઈને આવી ગયા છે, અને કહે છે કે ગોપાલ આવું બોલે છે, ઈસુદાન આવું બોલે છે. ગઈકાલે ફરી એક વીડિયો લઈને આવ્યા છે. જનતા 27 વર્ષનો હિસાબ માગી રહી છે. પરંતું તેના જવાબમાં ભાજપ વાળા કહે છે ગોપાલનો વીડિયો જોવો. હું એક ગરીબ માણસ છું, ગામડાનો નાનો માણસ છું, હું કોઈ મોટી હસ્તી નથી, મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચડાવી દો, એવું બની શકે કે ભાજપવાળા જેવું શાતીર અને ચાલાક બોલતા મને ના આવડે પણ ગુજરાતની જનતાને જવાબ આપવામાંથી બચવા માટેનો આ રસ્તો યોગ્ય નથી. ભાજપ વાળા મારી પાછળ પડી ગયા, તેનું કારણ હું પટેલ છું. પટેલ આંદોલનથી ભાજપને ખૂબ નુકસાન ગયું હતું, એટલે મારા જેવા સામાન્ય માણસને હેરાન કરવામાં આવી રહ્યો છે.








