નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પર દેશ વ્યાપી કાર્યવાહીમાં 200થી વધુની સામે કાર્યવાહી કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાંથી 15 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) અને એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસની મદદથી એનઆઈએ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અંદાજીત 15 શખ્સોની ધરપકડ કરાઈ છે.
ગુજરાતમાં પીએફઆઈની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) સક્રિય છે. આ ગ્રુપે થોડા વખત પહેલા અમદાવાદમાં પણ એક ઓફિસ શરૂ કરી હતી. દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આ સંસ્થાઓ દ્વારા ટેકો કરવામાં આવતો હોવાનો આરોપ હતો જેને લઈને ગત 22 સપ્ટેમ્બરે એનઆઈએ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાનમાં 100 કરતાં વધુની તેમાં ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં ગુજરાતમાં નવસારી, અમદાવાદ, બનાસકાંઠા અને સુરતના વિવિધ વિસ્તારોમાં એનઆઈએ અને એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. જેમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓને લઈને પુછપરછનો દૌર શરૂ થયો છે.








