નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પણ હવે દિલ્હી અને મુંબઈની જેમ વિકસિત શહેર થઈ રહ્યું છે. અહિયાં વિકાસ માત્ર શહેરનો જ નહીં પણ શહેરમાં રહેતા લોકોની માનસિકતાના વિકાસની પણ વાત છે, પરંતુ જે વર્ષોથી રૂઢિચુસ્ત માનસિકતા ધરાવે છે તે લોક હજુ સુધી બદલાયા નથી. અમદાવાદમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ મહિલાના સાસરી પક્ષના લોકો મહિલાને દહેજ માટે ત્રાસ આપતા હતા. જેના કારણે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અભયમની ટીમ દ્વારા મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ અમદાવાદની એક મહિલાએ 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સાસરી પક્ષના લોકો તેમના લગ્નથી ખુશ ન હતા જેના કારણે મહિલાના સાસુ-સસરા અને જેઠ-જેઠાણી અવાર-નવાર મહિલાને દહેજ માટે દબાણ કરતા હતા અને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કરતા હતા. આ અંગે જ્યારે મહિલાએ પતિ સાથે વાત કરી ત્યારે પતિએ સાંત્વના આપી હતી અને શાંત રહેવા જણાવ્યું હતું. આ ત્રાસ વધી જતાં મહિલાએ કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મહિલાએ આત્મહત્યા કરવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર આવીને અભયમને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, હું આત્મહત્યા કરવા જાઉ છું. આવું કહીને મહિલાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યાર બાદ અભયમની ટીમ દ્વારા તાત્કાલિક ટેકનિકલ ટીમનો સંપર્ક કરીને મહિલાનું લાસ્ટ લોકેશન લઈને મહિલાનો બચાવ કર્યો હતો.
જ્યારે અભયમ દ્વારા મહિલાને આત્મહત્યાનું કારણ પૂછ્યું ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, તે લગ્ન જીવનથી કંટાળીને આપઘાત કરવા જઈ રહી હતી. તેના લગ્નજીવનમાં તેના પતિ સહિત બધા સાસરિયા વાળા તેને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યાર બાદ અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને બોલાવવામાં આવ્યા હતા અને બંનેને સાથે બેસાડીને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.








