નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં કાયદાનો જાણે કોઈ ભય જ ન હોય તે પ્રકારે રોજબરોજ હત્યા અને હત્યાના પ્રયાસના ગુના પોલીસ ચોંપડે નોંધાતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે શહેરના જાહેર રસ્તા પર બે યુવકો ઝઘડી રહ્યા હતા. આ દરમિયાન તે રસ્તા ઊભેલા અન્ય યુવકને છરીના ઘા મારવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં અમરાઈવાડીમાં રહેતો કમલેશ વણઝારા બાપુનગર વિસ્તારના સુંરમનગર નજીક ઈંડા લેવા લારી પર ગયો હતો. આ દરમિયાન ઈંડાની લારી પાસે બે યુવકો ઝઘડી રહ્યા હતા. કમલેશ બંનેમાંથી કોઈને પણ ઓળખતો ન હતો. ઝઘડી રહેલા યોવાનો કમલેશને અથડાતા કમલેશે જોઈને ચાલવાનું કહ્યું હતું. જેથી એક યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલું તીક્ષ્ણ હથીયાર કાઠીને કમલેશને ઘા મારી દીધા હતા.
કમલેશ લોહીલુહાણ થતાં ઝઘડી રહેલા બંને યુવાનો સ્થળ પરથી ભાગી ગયા હતા. કમલેશ ઈજાગ્રસ્ત થતાં સ્થાનીકો દ્વારા 108ને બોલાવીને સારવાર અર્થે એલ.જી હોસ્પીટલમા લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.








