નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે અનેક લોકોના અક્સમાત થતાં મોતને પણ ભેટ્યા છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્રએ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં તંત્રના કર્મી દ્વારા ઢોર પકડવા બાબતે હપ્તાખોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા ACB દ્વારા સેનેટરી ઈન્સપેક્ટરની ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ફરિયાદી તથા તેના સગા પશુપાલનનો ધંધો કરે છે. તેમના ઢોરને પોતાના વાડામાં બાંધીને રાખતા હોય છે. પરંતુ ઘણી વખત તેઓના ઢોર તેમના ઘરના આજુબાજુ છોડવામાં આવતા હોય છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સપેકટર પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ દ્વારા અવાર નવાર ફરિયાદી તથા તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતા હતા અને ઢોર ન પકડવા માટે હપ્તાની માંગણી કરીને ફરિયાદી પાસે મહિનાના ૧૦૦૦ રૂપિયા તથા તેના સગા પાસે માસિક ૫૦૦ રૂપિયા લેખે કુલ ૧૧ મહિનાના ૫૫૦૦ રૂપિયાની માગણી કરી હતી. રકઝકના અંતે કુલ મળી ૪૫૦૦ રૂપિયાનો હપ્તો આપવાનું કહ્યું હતું.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર ડી.એન.પટેલ દ્વારા કાંકરિયા વિસ્તારના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી નરહરી સોસાયટીમાં લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પિયુષકુમારે ૪૫૦૦ની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પિયુષકુમાર વર્ષ ૨૦૧૨માં અન્ય એક ફરિયાદીના કારખાનાનું લાયસન્સ, પાણીના નિકાલ બાબતે અને આર.ટી.આઇ.ની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઈ નોટિસ નહીં આપવાના બદલામાં ૧૦ હજારની લાંચ લેતા ઝડપાઈ જતાં એસીબી ઝડપી પાડ્યો હતો.








