મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ) : આજે વાત કરવી છે પૂર્વ અમદાવાદના સીમાડે આવેલા રામોલમાં રહેતા એક પરિવારની. આ પરિવાર છે ઉમંગભાઈ ભાવસાર (Umangbhai Bhavsar) નો. વ્યવસાયે તેઓ રેલવેમાં ટિકિટચેકર છે. તેમના પત્ની અને ચાર સંતાનો સાથે અમદાવાદમાં સ્થાયી છે. તેમને એક દીકરો છે જેનું નામ છે ઉર્વીશ (Urvish Bhavsar). ઉર્વીશે ધોરણ 10 અને 12 સાયન્સમાં સારા માર્ક મેળવીને NEETની પરીક્ષા આપી. તાજેતરમાં જ તેણે NEET (National Eligibility Entrance Test)ની પરીક્ષા પાસ કરી છે. માત્ર પાસ કરી છે એવું જ નહીં, 675 માર્ક્સ એટલે કે 94% પણ મેળવ્યા છે. અલબત્ત આ પણ એક સિદ્ધિ છે. પણ મારે આજે એની સિદ્ધિની પાછળ રહેલા કેટલાક સંઘર્ષની વાત કરવી છે. જે એના પિતા ઉમંગભાઈએ નવજીવન ન્યૂઝને જણાવી છે.

ઉમંગભાઈને પરિવારમાં પત્ની અને એક દીકરી હતાં. નાનો અને સુખી પરિવાર હતો. એવામાં ઉર્વીશનો જન્મ થાય છે અને પરિવારની ખુશીઓ બેવડાય છે. પણ એ ખુશી વધારે ટકવાની નહોતી એવી ક્યાં કોઈને ખબર હતી! ઉર્વીશનો વિકાસ સામાન્ય બાળકની જેમ થતો નથી. તેના મમ્મી-પપ્પા નોંધે છે કે, ઉર્વીશનું શરીર પીળું પડતું જાય છે. એ સમયે ઉર્વીશ માત્ર બે-અઢી મહિનાનો હતો.
મા-બાપ ઉર્વીશને દવાખાને લઈ જાય છે અને પ્રાથમિક સારવાર કરાવે છે. સામાન્ય રીતે કમળાની અસર હોય એવું લાગે છે. પણ પાકું નિદાન થતું નથી. આ સારવાર અને ગડમથલ સાથે ઉર્વીશનાં મમ્મી સુનંદાબેન ઈશ્વરનો દરવાજો પણ ખખડાવે છે. બાધાઓ પણ રાખે છે. પથ્થર એટલા દેવ કરે છે. ઉર્વીશ જ્યારે 3 મહિનાનો થાય છે ત્યારે આખરે નિદાન થાય છે કે એને મેજર થેલેસેમિયા છે.
મા-બાપ બંને હોસ્પિટલ, દવાખાનાના ચક્કરો કાપવા લાગે છે. કોઈનું પણ ક્યાંય મન લાગતું નથી. ઉર્વીશની મોટી બહેન એ સમયે 4 વર્ષની હતી. મા-બાપ એને આપવાનો સમય પણ ઉર્વીશને આપવા લાગે છે. જોકે સુનંદાબેનના જણાવ્યાં અનુસાર તેમના સાસુએ પણ ઘણો સહકાર આપ્યો. અને મોટી દીકરીની જવાબદારી સંભાળી લીધી.

ઉમંગભાઈને જાણવા મળ્યું કે, ઉર્વીશને હવે દર મહિને લોહી ચઢાવવું પડશે. થોડા સમય પછી 25 દિવસે, 15 દિવસે અને અઠવાડિયે પણ ચઢાવવું પડે. અને આટલું કર્યા પછી પણ ઉર્વીશ 22-25 વર્ષથી વધારે જીવી શકે એમ નહોતો. પણ ઉમંગભાઈ પોતાના પ્રયત્ન ચાલું જ રાખે છે. તેઓ અમદાવાદના મણિનગરમાં એક દંપતીને મળે છે. જેઓ આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હતાં.
ઉમંગભાઈ સુનંદાબેનને સાથે લઈને તેમની સલાહ લેવા જાય છે. લગભગ ચાર-પાંચ કલાક બેસીને બધી જ નાનામાં નાની વિગતો મેળવે છે. અને શું કરવું, શું ન કરવું એ એમની પાસેથી જાણે છે. જ્યારે ઉમંગભાઈ એમનો આભાર માનીને ઊભાં થાય છે ત્યારે એ દંપતી એમને એક પુસ્તક આપે છે, જેનું નામ હતું ‘અંધકારથી ઉજાસ તરફ’.
ઉમંગભાઈ પુસ્તક લઈને ઘરે આવે છે અને વાંચે છે તો ખબર પડે છે કે, આ તો પેલા દંપતીએ જે માહિતી આપી તે અક્ષરશઃ લખેલી છે. અને એમના સંઘર્ષની વાત પણ લખેલી છે. ત્યારે ઉમંગભાઈને સમજાય છે કે, આ પુસ્તક મારા જેવા પિતા માટે માર્ગદર્શક બની રહે એ માટે આ દંપતીએ લખ્યું છે. એ ફરીવાર મનોમન એ દંપતીનો આભાર માને છે. જેમણે આ પુસ્તક છાપાવ્યું હતું.

ઉમંગભાઈ પુસ્તક વાંચીને અને દંપતીની સલાહ અનુસાર ઉર્વીશની સારવાર કરાવવા લાગે છે. ઉમંગભાઈ અનુભવના આધારે જણાવે છે કે, આ પ્રકારના દર્દીને વારંવાર લોહી ચઢાવવું પડતું હોય છે. એટલે બ્લડબેન્કમાં જમા થયેલું લોહી ચઢાવવાને બદલે નજીકના મિત્રો કે સગાસંબંધીનું લોહી જ ચઢાવવું જોઈએ. એ પણ જે દિવસે દાતાનું લોહી લેવામાં આવે એ જ દિવસે દર્દીને ચઢાવવું જોઈએ. આવી અનેક પ્રકારની નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું ઉમંગભાઈ જણાવે છે.
ઉમંગભાઈ ઉર્વીશની સારવાર ચાલું રાખે છે. દર મહિને, પછી 25 દિવસે એમ ઉર્વીશને લોહી ચઢાવવાનું ચાલું છે. દવાખાના, હોસ્પિટલ્સના ચક્કર ચાલું છે. આ બધાની વચ્ચે ઉર્વીશની ઉંમરની સાથે સાથે માતા-પિતાની ચિંતા પણ વધતી જાય છે. કારણ કે હવે ઉર્વીશ 4 વર્ષનો થવાનો છે. અને એને સ્કૂલે ભણવા પણ મૂકવાનો છે. અનેક અસમંજસ વચ્ચે ઉમંગભાઈ અને સુનંદાબેન એને જુનિયર કે.જી.માં મૂકે છે. ઉર્વીશના અભ્યાસ દરમિયાન પણ તેની થેલેસેમિયાની સારવાર ચાલું જ હોય છે. લગભગ દર 25-30 દિવસે લોહીની વ્યવસ્થા કરવાની, એના માટે દાતા શોધવાના અને હોસ્પિટલના ધક્કા ખાવાના.
ઈશ્વર જાણે ઉમંગભાઈના પરિવાર સાથે હરીફાઈમાં ઉતર્યો હોય એમ ઉમંગભાઈની મુશ્કેલીમાં વધારો કરે છે. ઉર્વીશ 6 વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં ભણતો હોય છે ત્યારે એની થેલેસેમિયાની સારવાર ચાલું હોવા છતાં તેની તબિયત વધારે બગાડવા લાગે છે. ફરી બીજા ડૉક્ટર્સ ને બીજી હોસ્પિટલ્સના ચક્કર ચાલું થઈ જાય છે.
એવામાં નિદાન થાય છે કે, ઉર્વીશને બ્લડ કેન્સર છે. સાંભળતાંની સાથે જ પરિવાર ભાંગી પડે છે. તેમની આસપાસના લોકો અને સગાંસંબધીઓ પણ કહે છે, હવે બહુ થયું. બધુ ઈશ્વર પર છોડી દો. હવે મહેનત કરવાનો કોઈ અર્થ નથી. પણ ઉમંગભાઈ હિંમત હારતા નથી, આશા છોડતા નથી. તે ફરી દોડે છે. જાણે ઈશ્વરના ઈરાદા સામે લડી લેવાનું નક્કી કરે છે અને હથિયાર હેઠા મૂકતા નથી. ઈશ્વર સામેની આ લડાઈમાં ફર્ક માત્ર એટલો હતો કે, આ લડાઈ માનસિક, આર્થિક અને શારીરિક રીતે લડવાની હતી. એ પણ મેદાનમાં નહીં હોસ્પિટલમાં. આખરે ફરી પેલું દંપતી અને એમનું પુસ્તક એમની મદદે આવે છે. અને એક દિશા સૂઝે છે.
તેમને જાણ થાય છે કે, આની સારવાર મદ્રાસના વેલૂર ખાતે એક હોસ્પિટલમાં શક્ય છે. માતા-પિતા બંને ઉર્વીશને લઈને ત્યાં પહોંચે છે. ત્યારે ખબર પડે છે કે આનો એક જ ઈલાજ છે BMT (બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ). જેમાં માતા-પિતા અથવા ભાઈ-બહેનના લોહીમાં રહેલું બોર્ન મેરો નામનું તત્ત્વ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેનાથી એનું શરીર લોહી બનાવવાનું શરૂ કરે છે. પણ આ સમસ્યામાં એક નવો પડકાર એમની સામે આવીને ઊભો રહે છે.
માતા-પિતા અને મોટી બહેનના બોર્ન મેરો ઉર્વીશના બ્લડ સાથે મેચ થતાં નથી. એટલે પરિવાર પાછો ભાંગી પડે છે. આ સમસ્યાનો એક ઉપાય એ હતો કે, બેન્કમાંથી બીજા કોઈના બોર્ન મેરો ચઢાવવામાં આવે. પરંતુ તેના જોખમ અને પરિણામ વિષે માલૂમ થતાં ઉમંગભાઈ આ સારવાર કરાવવા તૈયાર થતા નથી. ઉમંગભાઈ અને સુનંદાબેન બીજો એક લાંબો રસ્તો અપનાવે છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ માતા-પિતા અથવા ભાઈ-બહેનના જ બોર્ન મેરો કામ લાગી શકે. તેઓ એક દીકરાને બચાવવા વધુ એક બાળકનું પ્લાનિંગ કરે છે. અને ઉર્વીશના નાના ભાઈનો જન્મ થાય છે.
બાળક જ્યારે એક-દોઢ વર્ષનું થાય છે ત્યારે તેઓ ફરી મદ્રાસ જાય છે અને બોર્ન મેરો ચેક કરાવે છે. ત્યારે ફરી માઠા સમાચાર મળે છે કે, આ બાળકના બોર્ન મેરો પણ ઉર્વીશના બ્લડ સાથે મેચ થતા નથી. ફરી એકવાર નિરાશા લઈને તેઓ અમદાવાદ પરત આવે છે. થોડા દિવસના માનસિક ઘમસાણ બાદ ઉમંગભાઈ અને સુનંદાબેન ફરી એકવાર નિયતિને ચેલેન્જ કરે છે. અને ચોથા બાળક માટે પ્લાન કરે છે. અને તેમના ઘરે ચોથા સંતાન તરીકે નાની દીકરી રિચાનો જન્મ થાય છે.
આ વખતે તેઓ સારવાર અને રિપોર્ટ્સ માટે દિલ્હી જાય છે. ત્યાંથી રિપોર્ટ આવે છે કે, આ દીકરીના બોર્ન મેરો ઉર્વીશના બ્લડ સાથે 100% મેચ થાય છે. પરિવારને એક આશાનું કિરણ દેખાય છે. રિચા જાણે તેમના પરિવારમાં અને ખાસ કરીને ઉર્વીશના જીવનમાં એક વરદાન તરીકે આવી હોય એવું લાગે છે.
ઉર્વીશની થેલેસેમિયાની સારવાર તો ચાલું જ હતી. પણ તેના શરીરે લોહી બનાવવાનું બંધ કરી દીધું હતું. તેની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગી હતી. એટલે તેને આઇસોલેશનમાં રાખવો પડે તેમ હતો. જેથી તે સ્કૂલે પણ જઈ શક્યો નહીં અને એક વર્ષ સુધી તે એક જ રૂમમાં રહ્યો. તેને ખાવા-પીવાની અને દવાની વ્યવસ્થા પણ તે જ રૂમમાં કરવામાં આવી. ઉર્વીશ એની મમ્મી સિવાય કોઈના પણ સંપર્કમાં આવી શકે એમ નહોતો. એ પણ એનાં મમ્મી પણ માસ્ક ને કેપ પહેરીને, ઇસ્ત્રી વાળા કપડાં પહેરીને જ ઉર્વીશ પાસે જઈ શકતાં હતાં. એવામાં રિચા બે વર્ષની થઈ.
ત્યાં સુધીમાં અમદાવાદમાં બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ થઈ ચૂકી હતી. અને એક સફળ ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ચૂક્યું હતું. ઉર્વીશના ટ્રાન્સપ્લાન્ટની પણ તૈયારી શરૂ થાય છે. જેના માટે 6 વર્ષના નાનકડા ઉર્વીશે મૃત્યુ સામે લડીને જીત મેળવવાની હતી. કારણ કે આ ટ્રીટમેન્ટ માટે ઉર્વીશના શરીરમાં રહેલા તમામ બોર્ન મેરો દૂર કરવા પડે. જેના માટે ઉર્વીશને કિમો થેરેપિ આપવાનું શરૂ કરાય છે. કિમો થેરેપિના ત્રણ માસ દરમિયાન ઉર્વીશની સ્થિતિ વધુ લથડે છે. હાઇ ડોઝની દવાઓને કારણે તેના વાળ ખરવા લાગે છે. શારીરિક અશક્તિ આવી જાય છે. તેનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે. તે વાતે વાતે રડવા લાગે છે, કોઇની પણ ઉપર ગુસ્સે થઈ જાય છે. ક્યારેક ગુસ્સામાં બેહોશ પણ થઈ જાય છે. ઉર્વીશને છાતીના ભાગમાં એક નળી નાખીને દવાઓ આપવામાં આવે છે. આ બધી જ યાતનાઓમાં માતા-પિતા પોતાને, બાળકોને અને ખાસ તો ઉર્વીશને સંભાળે છે.
આખરે બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો દિવસ આવે છે. બે વર્ષની નાદાન રિચા પણ એક અત્યંત મુશ્કેલ એવી ટ્રીટમેન્ટનો સામનો કરે છે. તેના શરીરમાંથી લોહી ખેંચવા માટે જમણા પગની અંદર એકદમ જાડી સર્જિકલ પાઇપ લગાવવામાં આવે છે. જેમાંથી લોહી ખેંચવામાં આવે છે. એ લોહી 3-4 જગ્યાએ ફિલ્ટર થઈને તેના ડાબા પગમાં લગાવેલી બીજી સર્જિકલ પાઇપ દ્વારા શરીરમાં પાછું જાય છે. અને લોહીમાં રહેલા બોર્ન મેરો ફિલ્ટરમાં એકઠા થાય છે. લગભગ બે-અઢી કલાક ચાલેલી આ પ્રોસેસ પછી એ બોર્ન મેરો ઉર્વીશનાં શરીરમાં inject (દાખલ) કરવામાં આવે છે.
મમ્મી-પપ્પાની જહેમત, રિચાના બોર્ન મેરો અને ડોક્ટર્સની મહેનતની સાથે નિયતિ પણ સાથ આપે છે. આખરે આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થાય છે. એકાદ વર્ષ આઇસોલેશનમાં રાખ્યા પછી ફરી વાર ઉર્વીશના રિપોર્ટ કઢાવવામાં આવે છે. જેમાં લખ્યું હોય છે કે, ઈશ્વરે લીધેલી કપરી પરીક્ષામાં પરિવારની હિંમત, માની મમતા, પિતાનો પ્રેમ, રિચાનો સ્નેહ, ડૉક્ટર્સની મહેનત અને ઉર્વીશની લડત આ બધાની જીત થઈ છે. અને ઉત્તમ પરિણામ સાથે તમામ પાસ થયા છે. એક લાંબા અંતરાલ પછી ઉર્વીશ ફરી નિયમિત શાળાએ જતો થાય છે. અને ભણવાનું શરૂ કરે છે.
આજે ઉર્વીશ 19 વર્ષનો છે. અભ્યાસમાં પણ એક સફળતા મેળવી છે. તેનું સ્વપ્ન હિમેટોલોજિસ્ટ ડૉક્ટર બનવાનું છે. જે લોહીને લગતા રોગોના નિષ્ણાત હોય છે. અભ્યાસની સાથે સાથે ઉર્વીશ ક્યૂબ સાથે પણ સારી રીતે રમે છે. તે ચોરસ, ત્રિકોણ બધા જ પ્રકારના મલ્ટીકલર ક્યૂબ અને ક્યૂબ પઝલ સારી રીતે સોલ્વ કરે છે. ઉર્વીશ પોતાની તંદુરસ્ત જિંદગી માટે પરિવાર, ભાઈ-બહેન, મિત્રો, શિક્ષકો અને ડૉક્ટર્સનો આભાર માને છે.

રિચા અત્યારે SSCમાં ભણે છે. ઉર્વીશને શુભેચ્છા આપતા જણાવે છે કે, “ઈશ્વર એની બધી જ ઇચ્છા પૂરી કરે અને એ ખૂબ સારો ડૉક્ટર બને. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર ઓછા પૈસામાં કરે એવી મારી શુભેચ્છા. ઉર્વીશની સારવાર વખતે હું તો બહુ નાની હતી. એ વખતનું તો કંઈ જ મને યાદ નથી. પણ મને તો એ ખબર છે કે, ઉર્વીશ આટલા સારા માર્ક્સ સાથે NEETમાં પાસ થયો તોય મને હજુ પાર્ટી આપી નથી. એ મને સિધ્ધિ વિનાયક ફરવા લઈ જાય અને અમે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, ગાર્ડનમાં જઈએ અને પાર્ટી એન્જોય કરીએ.”
જુઓ વિડીયો: ઉર્વીશ અને એના પરિવાર સાથે નવજીવને કરેલી વાતચીત








