નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી માટે વકીલોની નિમણૂક કરવાનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ વખતની નોટરીની નિમણૂકમાં અગત્યની વાત એવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નોટરીની ઓનલાઈન એપ્લિકેશન આપવા માટે જાહેરાત કરવામાં આવી ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 9000 કરતાં પણ વધારે એપ્લિકેશન કરવામાં આવી છે. સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન 2000 જેટલા એડવોકેટ નોટરી માટે એપ્લિકેશન કરતાં હોય છે તેની સરખામણીએ આ વખતે ઘણી વધારે સંખ્યામાં એપ્લિકેશન કરવામાં આવી છે.
આ અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ લોના અધિકારીઓ સાથે નવજીવન ન્યૂઝની ટીમ દવર વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન મહામારીના કારણે કોર્ટ બંધ હતી. જેના કારણે મોટી સંખ્યામાં વકીલોને ઘરે બેસવું પડ્યું હતું. હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નોટરી માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વકીલોએ મોટી સંખ્યામાં નોટરી માટે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત ગુજરાતમાં ઔધ્યોગિક એકમો વધી રહ્યા છે તેમજ રિયલ એસ્ટેટમાં પણ છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે પણ વકીલો નોટરી બનવા તરફ વળી રહ્યા છે.

આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેમ અંદાજિત 9198 અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરી છે. જેના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ હાલ મિનિસ્ટ્રી ઓફ લો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વેરિફિકેશન ની પ્રક્રિયા માટે અમદાવાદ, સુરત અને રાજકોટ ત્રણ કેન્દ્રો આપવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે અરજીઓ અમદાવાદથી કરવામાં આવી છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ વકીલો સાથે એક બેઠક કરી હતી ત્યારે ભાજપ સરકાર તરફથી વકીલોને રીઝવવા માટેનો પણ આ એક પ્રયાસ હોય શકે છે.








