નવજીવન ન્યૂઝ.રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીને પગલે ગુજરાતમાં થોડા થોડા સમયમાં મુલાકાતો કરી રહ્યા છે. દરમિયાનમાં તેઓ શનિવારે રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે સુરતમાં તો આમ આદમી પાર્ટી 12 વિધાનસભા બેઠકોમાંથી 7 વિધાનસભા બેઠકોને અંકે કરીને વિજય થશે.
અરવિંદ કેરીવાલને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મળી રહેલા પ્રતિસાદને પગલે વારંવાર ગુજરાત આવવાનું થઈ રહ્યું છે. તેમણે આ દરમિયાનમાં રાજકોટની મુલાકાત દરમિયાન કહ્યું કે, હું ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરવા માગું છું. હું તેમને વિશ્વાસ આપવા માગુ છું કે તેમની આશાઓ પર અમે પાણી નહીં ફેરવીએ.
તેમણે આપ પદાધિકારી મનોજ સોરઠિયા મામલે વાત કરતા ભાજપને નિશાન તાકતા કહ્યું કે, હું ત્યારે પુજા કરતો હતો જ્યારે ભગવાનની મૂર્તિ સામે મનોજ સોરઠિયાનું માથું ફોડી નાખ્યું. ગુજરાત, દેશ અને હિન્દુ ધર્મની આવી સંસ્કૃતિ નથી. આ ગુંડાગીરી વધી રહી છે. આ હુમલો ભાજપ અકળાઈ ગઈ છે તેવું દર્શાવે છે. તેમને હાર દેખાઈ રહી છે. અમે કોંગ્રેસ નથી. તમે તમારી રીતો બદલી નાખો આમ આદમી પાર્ટીના લોકો ડરપોક નથી. અમે સરદાર પટેલમાં વિશ્વાસ રાખનાર છીએ.
તેમણે કહ્યું કે, હું અહીં આપને કહેવા માગું છું કે આપણે સંયમ રાખવાની જરૂર છે કારણ કે તેઓ વધુ હુમલાઓ કરશે. જો લોકોમાં કોઈ કહે કે અમે આપને વોટ આપશું તો લોકો પર હુમલો કરશે. તમે મતદાનના દિવસે બટન દબાવી તમારો ગુસ્સો વ્યક્ત કરજો. અહીં કોઈએ લખ્યું કે મુખ્યમંત્રી જવાના છે તો તેમની સામે કેસ કર્યા. જેલમાં નાખ્યા. આ રીતે તેઓ ગુંડાગીરીથી સરકાર ચલાવવા માગે છે. આજે રાત્રે હું સુરત જવાનો છું અને ત્યાં ગણપતિ બાપ્પાની પૂજા કરીશ. લોકોને અપીલ છે કે દરેક ત્યાં આવો. દરેક વ્યક્તિ અહીં ગુજરાત માટે પ્રાથના કરશે. મનોજ સોરઠિયા પર જ્યારથી હુમલો થયો છે અમે એક સર્વે કર્યો છે. જેમાં ખબર પડી છે કે 12 માંથી 7 બેઠકો આપને ફાળે જાય છે.
તેમણે ઉમેર્યું કે આ ઉપરાંત હું બસના કંડક્ટર્સ અને ડ્રાઈવર્સનો પણ આભાર માનું છું કે રોજ બસમાં કહે છે કે તેમણે આમ આદમી પાર્ટીને વોટ આપવો જોઈએ. ત્રણ મહિનામાં અમે તમારી બધી માગણીઓ પુરી કરીશું. અમે પોલીસ કર્મચારીઓનો મુદ્દો ઉઠાવ્યો, સરકારે ભથ્થા વધારવા માટે જાહેરાત કરી છે કે કોઈ વિરોધ ન કરે. હું તમામ પોલીસ કર્મચારીઓનો કહેવા માગું છું કે આ શરતો પર સહી ન કરો. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું. લોકો પાસે મદદ માગતા કહ્યું કે સોશિયલ મીડિયા પર તમે પ્રચાર કરો. 27 વર્ષમાં તેમણે કર્મચારીઓ માટે કાંઈ કર્યું નથી અને ચૂંટણીના ત્રણ મહિના પહેલા લોલીપોપ આપશે.








