Saturday, May 9, 2026
HomeGujaratમનોજ સોરઠિયા ઉપર હુમલા બાદ ગોપાલ ઇટાલિયાના વીડિયોને લઈને થઈ બદનક્ષીની ફરિયાદ,...

મનોજ સોરઠિયા ઉપર હુમલા બાદ ગોપાલ ઇટાલિયાના વીડિયોને લઈને થઈ બદનક્ષીની ફરિયાદ, જાણો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરવાની માત્રમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા ઉપર હિંસક હુમલો થયો હતો અને તેને લઈએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આજે ભાજપ દ્વારા AAP ગુજરાતનાં ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે.

30 તારીખે રાતના સમયે AAP નેતા મનોજ સોરઠિયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા એક વીડિયો જાહેર કરીને ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વીડિયોને સંદર્ભ બનાવીને ભાજપના કાર્યકર્તા પ્રતાપ ચોડવડીયા દ્વારા સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મનોજ સોરઠિયા ઉપર જે હુમલો થયો તેને ભાજપ વખોડે છે અને આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ, પરંતુ આ બનાવને લઈને AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે ભાજપને લૂખ્ખાઓ અને ગુંડાઓની પાર્ટી કહી હતી. મનોજ સોરઠિયા ઉપર હુમલો કરનારા ભાજપ સાથે સંકળાયેલા છે આ વાત ખોટી છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે પણ કેટલાક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ગોપાલ ઇટાલિયા અવાર-નવાર આવી રીતે ભાજપ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું, ત્યારે કેમ ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી. ભાજપના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરે છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને બીજું કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ AAPના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો.”

ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ED અને CBI પણ બોલાવશે અને અમને હેરાન કરશે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular