નવજીવન ન્યૂઝ. નડિયાદઃ સમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતાં ગણેશોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજ્જવણી ધામધુમથી થઈ શકી ન હતી. આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ગણોશોત્સની લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજના ગણેશ ચતુર્થીના દિવસે જ નડિયાદમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે.
નડિયાદમાં પીજ રોડ નજીક આવેલા ગીતાજંલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદી વાતાવરણ હોવાના કારણે ત્રણ યુવકો તાડપત્રી બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન માથાના ભાગે 11KVનો વિજ વાયર અડી જતાં મોડી દુર્ઘના સર્જાઈ હતી.
પંડાલમાં ત્રણ લોકોને વીજ કરંટ લાગતા બે યુવકોએ ઘટના સ્થળે જ દમ છોડી દીધો હતો. જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે બે મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ બનાવને પગલે બંને યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.








