Saturday, May 2, 2026
HomeGujaratવલસાડઃઆછા અંધારામાં દીપડો બાઈક સાથે ભટકાતા યુવકના હૌશ ઉડી ગયા, જીવ બચ્યો

વલસાડઃઆછા અંધારામાં દીપડો બાઈક સાથે ભટકાતા યુવકના હૌશ ઉડી ગયા, જીવ બચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડના પારડી તાલુકામાં આવેલા ડુમલાવ ગામે એક યુવકને સમી સાંજના આછા અંધારામાં મોતનો સાક્ષાત્કાર થયો હતો. યુવક જ્યારે ડેરીમાં દૂધ ભરવા નીકળ્યો હતો ત્યારે બાઈક સાથે પુર ઝડપે દોડતો આવતો દીપડો ભટકાયો હતો. યુવક ધડામ કરતો નીચે પડ્યો અને તેને ઈજાઓ થઈ ગઈ હતી.

આ ગામના પારસી ફળિયામાં રહેતા હાર્દિક પટેલ રોજની માફક દૂધ ભરવા પોતાનું બાઈક લઈ પ્રાથમિક સ્કૂલ પાસેથી પસાર થતો હતો. લગભગ સાંજના છથી સાડા છ સુધીનો સમય હશે. ત્યારે બાઈક રોડ પર દોડતું હતું અને આ તરફ ઝાડીઓમાંથી દોડતો દીપડો રોડ ક્રોસ કરવા જતો હતો અને બંને એક બીજાને ભટકાયા હતા. દીપડો કદાવર હતો જેને કારણે હાર્દિકનું બેલેન્સ ગયું અને બાઈક સાથે નીચે પટકાયો. જોકે ત્યાં સુધી હાર્દિકની નજર દીપડા પર પડી ગઈ હતી. જેને કારણે તેની અંદર ભયની સનસનાટી દોડી ગઈ હતી. બે ઘડી તો હોશ ઉડી ગયા હતા. હાર્દિકને બે ઘડી થયું કે મોત બીલકુલ સામે છે.

- Advertisement -

જોકે કુદરતી રીતે બાઈક સાથે ભટકાયા પછી દીપડો પણ ગભરાઈ ગયો હતો અને તેણે હાર્દિક પર હુમલો કર્યો નહીં. દીપડો ત્યાંથી ઊભો થયો અને ઝાડીઓમાં ભાગી ગયો. પ્રાપ્ત વિગતો અનુસાર 7 દિવસથી ડુમલાવ પારસી ફળિયામાં બે દીપડા ફરતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ગામમાં તેના કારણે ભયનો માહોલ ઊભો થયો છે. રાત્રીના અંધકારમાં લોકો હાલ શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ મામલાને લઈને દીપડાની માહિતી જંગલ ખાતાને કરવામાં આવી છે. જેના કારણે વિભાગે સ્થળ નિરિક્ષણ કર્યા પછી પાંજરા મુક્યા છે. પરંતુ લોકો માટે ચિંતાનો વિષય એ છે કે હજુ પણ દીપડો પકડાયો નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular